સમયસાર ગાથા ૨૯૮-૨૯૯ ] [ ૪પ૩ થયા એની વાત તો છોડો, અનંતકાળમાં અનંતવાર તે મોટો દેવ, મોટો રાજા અને મોટો શેઠ પણ થયો. પણ હા! એણે શુદ્ધ અંતઃચેતનાનો અનુભવ ના કર્યો!
જુઓ, અજ્ઞાની જીવોને અનાદિથી રાગદ્વેષરૂપ કર્મચેતના અને કર્મફળચેતનાનું જ વેદન છે. એને જડનો સ્વાદ તો કદી હોતો જ નથી અને સ્વસ્વરૂપનો સ્વાદ એણે કદી લીધો નહિ. શું કીધું? આ લાડું, બરફી, પેંડા, મોસંબી, ધન, લક્ષ્મી ને સ્ત્રીનું સુંવાળું શરીર ઈત્યાદિ જડ પદાર્થોનો સ્વાદ એને હોતો નથી, પરંતુ એના લક્ષે એણે રાગાદિનો સ્વાદ-આ ઠીક છે, આ ઠીક નથી એવો સ્વાદ-એણે લીધા કર્યો છે. અહા! પણ એ તો દુઃખનો સ્વાદ છે બાપા અહો! એક ક્ષણ પણ જ્ઞાનચેતનાનો સ્વાદ કરે તો એનાં જન્મ- મરણ બધાં ટળી જાય; ટળ્યા વિના રહે નહિ.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘जगति हि चेतना अद्वैता’ જગતમાં ખરેખર ચેતના અદ્વૈત છે....
નિશ્ચયથી જગતમાં ચેતના અદ્વૈત છે. ચિદ્ અર્થાત્ ચેતન એ દ્રવ્ય અને ચેતના એનો ગુણ-સ્વભાવ તે એક (અભેદ) છે. ચેતના તરીકે એક હોવા છતાં...
‘अपि चेत् सा दग्ज्ञप्तिरूपं त्यजेत्’ તોપણ જો તે દર્શન-જ્ઞાનરૂપને છોડે ‘तत्सामान्यविशेषरूपविरहात् તો સામાન્યવિશેષરૂપના અભાવથી ‘अस्तित्वम् एव त्यजेत्’ (તે ચેતના) પોતાના અસ્તિત્વને જ છોડે; ‘तत्–त्याजे’ એમ ચેતના પોતાના અસ્તિત્વને છોડતા ‘चितः अपि जडता भवति’ ચેતનને જડપણું આવે.
શું કહે છે? કે ચેતન એ દ્રવ્ય અને ચેતના એ ગુણ વસ્તુપણે-દ્રવ્યપણે એક હોવા છતાં ચેતના સ્વરૂપથી જ સામાન્ય અને વિશેષ-એમ દર્શન-જ્ઞાનસ્વરૂપે બેપણે રહેલી છે. હવે જો ચેતના પોતાના સામાન્ય-વિશેષસ્વરૂપને અર્થાત્ દર્શનજ્ઞાનરૂપને છોડી દે તો જીવ ચેતનાના અભાવમાં જડ થઈ જાય; ચેતનને જડપણું આવી જાય.
શું કીધું? ફરીને-કે આત્મા ચેતન છે અને ચેતના એનો ગુણ અર્થાત્ સ્વભાવ છે, સ્વભાવે ચેતના એક હોવા છતાં જ્ઞાતા-દ્રષ્ટાપણું પણ એનું રૂપ છે. હવે જો તે જ્ઞાતા- દ્રષ્ટાપણું છોડી દે તો ચેતનાનો અભાવ થાય અને ચેતના વિના ચેતનદ્રવ્યજીવ જડ થઈ જાય.
કોઈને વળી થાય કે આમાં ધર્મ ક્યાં આવ્યો? અરે ભાઈ! આવું પોતાનું સ્વરૂપ જાણી દ્રષ્ટિ સ્વસ્વરૂપમાં અખંડ એક ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મામાં સ્થાપિત કરવી એનું નામ ધર્મ છે. ભગવાને એને ધર્મ કહ્યા છે.