૪પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
હા ભાઈ! અનંતા જીવો આ રીતે સમજીને સિદ્ધદશાને પામ્યા છે.
(-ચેતના વિના) વ્યાપ્ય જે આત્મા તે નાશ પામે.
પહેલાં બોલમાં આત્મા જડ થઈ જાય એમ કહ્યું ને હવે બીજા બોલમાં નાશ થઈ જાય એમ કહે છે. જો વ્યાપક એવી ચેતના જ ન રહે તો વ્યાપ્ય એવો આત્મા નાશ પામી જાય.
ત્યારે કોઈ કહે છે-આવું બધું સમજવું એના કરતાં દયા પાળવી, વ્રત કરવાં એ બધો સહેલો ધર્મ છે.
પણ ભાઈ! એ ધર્મ ક્યાં છે? એ તો રાગ છે. આત્માનો સ્વભાવ તો ચેતના એટલે જ્ઞાતા-દ્રષ્ટા છે. હવે આવા સ્વભાવને છોડીને જો એ રાગનો કર્તા થાય તો તે મિથ્યાદ્રષ્ટિ થઈ જાય. જો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર-ભણતરનો રાગ અને પંચમહાવ્રતાદિનો રાગ-એનો કર્તા જો ચેતન થાય તો ચેતન જ્ઞાતાદ્રષ્ટાપણે રહે નહિ; રાગનો કર્તા થતાં તે અવશ્ય મિથ્યાદ્રષ્ટિ થઈ જાય. આવી હવે બહુ કઠણ વાત!
તો મુનિરાજને એવો વ્યવહાર તો હોય છે? હા, હોય છે; પણ એના તો કર્તા નથી. જ્ઞાની તો એના જાણનારમાત્ર રહે છે. ઉપર પ્રમાણે, ચેતનાને દ્વિરૂપ નહિ માનવાથી બે દોષ-આપત્તિ આવે છે. તેથી કહે છે- ‘तेन चित् नियतं दग्ज्ञप्तिरूपा अस्तु’ માટે ચેતના નિયમથી દર્શનજ્ઞાનરૂપ જ હો. અર્થાત્ ચેતના નિયમથી દર્શનજ્ઞાનમય જ છે.
‘સમસ્ત વસ્તુઓ સામાન્યવિશેષાત્મક છે. તેથી તેમને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્ય પ્રતિભાસરૂપ (-દર્શનરૂપ) અને વિશેષ પ્રતિભાસરૂપ (-જ્ઞાનરૂપ) હોવી જોઈએ.’
જુઓ, ભગવાને જોયાં છે એ બધાં દ્રવ્યો જગતમાં જાતિ અપેક્ષાએ છ છે, અને સંખ્યા અપેક્ષાએ જીવ-આત્મા અનંત, પરમાણુ અનંતાનંત, ધર્માસ્તિકાય એક, અધર્માસ્તિકાય એક, એક આકાશ અને અસંખ્યાત કાલાણુ છે. એ બધા પદાર્થ પ્રત્યેક સામાન્યવિશેષરૂપ છે. તે બધાય પદાર્થ દ્રવ્યપણે એકરૂપ સામાન્ય છે ને ગુણ-પર્યાયથી વિશેષરૂપ છે. સામાન્યવિશેષરૂપે હોવું વસ્તુનો સહજ સ્વભાવ જ છે. તેથી તેને પ્રતિભાસનારી ચેતના પણ સામાન્યવિશેષરૂપ છે; સામાન્યપ્રતિભાસરૂપ દર્શન અને વિશેષ પ્રતિભાસરૂપ જ્ઞાન છે. જુઓ, આ ન્યાયથી-લોજીકથી વાત છે.