Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 293 of 4199

 

૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ છે, અનેક સ્વભાવરૂપ થઈ જાય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે. દર્શનનો પ્રતીતિ-સ્વભાવ, જ્ઞાનનો જાણવારૂપ સ્વભાવ અને ચારિત્રનો શાંતિ અને વીતરાગતારૂપ સ્વભાવ છે. અહાહા! ભગવાન એકરૂપ જ્ઞાયકસ્વભાવી આત્માની સેવા કરવાથી અનેકરૂપ સ્વભાવપર્યાય ઉત્પન્ન થાય છે. આ અનેકરૂપ સ્વભાવપર્યાયની સેવા કરવી એ તો વ્યવહારથી ઉપદેશ આપ્યો છે. તેથી દ્રષ્ટિમાં સેવવા યોગ્ય એક આત્મા જ છે એમ સિદ્ધ થાય છે. આ સોળમી ગાથા જાણે સોળવલું સોનું!

૧૪ મી ગાથામાં સમ્યગ્દર્શનની પ્રધાનતાથી કથન છે. ૧પ મી ગાથામાં જ્ઞાનની પ્રધાનતાથી કહ્યું કે જ્ઞાનની અનુભૂતિ તે આત્માનુભૂતિ જ છે. અહીં કહે છે કે સમ્યગ્દર્શન એ આત્માનું, જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અને એમાં સ્થિરતા કરવી એ ચારિત્ર પણ આત્માનું. પણ એ ત્રણ પર્યાય થઈ, ભેદ થયો, ત્રણ પ્રકારનો સ્વભાવ થયો, જ્યારે ભગવાન આત્મા તો એકરૂપ જ્ઞાયકસ્વભાવી છે.

પ્રશ્નઃ–તત્ત્વાર્થસૂત્રમાં એમ આવે છે કેसम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः। નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે.

ઉત્તરઃ–એ નિશ્ચય છે, પણ એ પર્યાયનો નિશ્ચય છે. એ પર્યાયથી કથન છે તેથી વ્યવહારનયનું કથન છે. વસ્તુ એકરૂપ જ્ઞાયકભાવ એ નિશ્ચય છે. સમ્યગ્દર્શન છે તો નિશ્ચય પણ ભેદ પાડીને કથન કરવું એ વ્યવહાર છે, પ્રવચનસાર ગાથા ૨૪૨ માં આવે છે કે- ભેદથી કથન કરવું એ વ્યવહાર છે અને અભેદથી નિશ્ચય. (ગાથા ૨૪૨ ટીકા, બીજો પેરેગ્રાફ) “તે (સંયતત્ત્વરૂપ અથવા શ્રામણ્યરૂપ મોક્ષમાર્ગ) ભેદ્રાત્મક હોવાથી ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે’ એમ પર્યાય પ્રધાન વ્યવહારનયથી તેનું પ્રજ્ઞાપન છે.” ગાથા ૨૪૨ પછીના શ્લોક ૧૬ માં આવે છે કે-“એ પ્રમાણે પ્રતિપાદકના આશયને વશ, એક હોવા છતાં પણ અનેક થતો હોવાથી (અર્થાત્ અભેદ પ્રધાન નિશ્ચયનયથી એક એકાગ્રતારૂપ હોવા છતાં પણ કહેનારના અભિપ્રાય અનુસાર ભેદપ્રધાન વ્યવહારનયથી અનેકપણે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપપણે થતો હોવાથી) એક્તાને (એક લક્ષણપણાને) તેમ જ ત્રિલક્ષણપણાને પામેલો જે અપવર્ગનો માર્ગ....” જુઓ એકને પામેલો એ નિશ્ચય છે, ત્રણરૂપ પર્યાયને પામેલો તે વ્યવહાર છે. બન્નેને એકસાથે જાણવો એ પ્રમાણ છે.

અહો! કુંદકુંદાચાર્યના શાસ્ત્રોમાં તો ઘણું ગૂઢ અને ગંભીર સત્યનું કથન આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે શ્વેતાંબરની મોળાશ-ઢીલપને લઈને રસ ઢીલો પડી જાય છે જ્યારે દિગંબરનાં તીવ્ર વચનોને લઈને રહસ્ય સમજી શકાય છે. આ તો શ્રીમદ્દે મીઠાશથી કહ્યું છે. પંડિત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના પાંચમા અધિકારમાં સાફ સાફ ખુલાસો કર્યો છે કે શ્વેતાંબર અને સ્થાનકવાસી એ અજૈન છે, જૈન નથી.