સમયસાર ગાથા ૨૯૮-૨૯૯ ] [ ૪પ૭ છે તેથી ચેતનાને સામાન્ય વિશેષરૂપ અંગીકાર કરવી’ -એમ અહીં જણાવ્યું છે.”
જુઓ, સાંખ્યમત આદિ અન્યમત છે તે સામાન્યને માને છે, પરંતુ વિશેષને માનતો નથી. ચેતના જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ છે એમ ચેતનાના યથાર્થ સ્વરૂપને માનતા નથી. તેથી એવા એકાન્તનો પરિહાર કરવા માટે જેમ વસ્તુ સામાન્ય-વિશેષ-સ્વરૂપ છે તેમ તેને પ્રતિભાસનારી ચેતના પણ દ્રષ્ટાપણે સામાન્ય અને જ્ઞાતાપણે વિશેષરૂપ છે એમ અહીં દર્શાવ્યું છે. ચેતના ગુણ-શક્તિ-સ્વભાવ છે અને તેનાં દર્શન અને જ્ઞાન બેરૂપ છે એમ યથાર્થ માનવું.
અહા! દિગંબર ધર્મ સિવાય આવું વસ્તુનું સત્યાર્થ સ્વરૂપ બીજે ક્યાંય કહ્યું નથી. અહા! સત્યાર્થ સ્વરૂપની સમજણ વિના સમ્યગ્દર્શન થાય નહિ અને સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર કદીય સાચાં હોતાં નથી. છહઢાલામાં આવે છે ને કે-
સમ્યક્તા ન લહૈ સો દર્શન ધારો ભવ્ય પવિત્રા.’
માટે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને યથાર્થ ઓળખી તેના આશ્રયે પ્રથમ સમકિતી થવું જોઈએ.
હવે આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-
‘चितः’ ચૈતન્યનો (આત્માનો) તો ‘एकः चिन्मयः एव भावः’ એક ચિન્મય જ ભાવ છે, ‘ये परे भावाः’ જે બીજા ભાવો છે ‘ते किंल परेषाम्’ તે ખરેખર પરના ભાવો છે;....
ચિત્ એટલે ચેતનદ્રવ્ય, જીવદ્રવ્ય, અહીં કહે છે-ચેતનદ્રવ્યનો એટલે કે ભગવાન આત્માનો તો ચિન્મય જ ભાવ છે. અહા! જાણવું-દેખવું બસ એ એક જ આત્માનો સ્વભાવ છે. આ રાગાદિ જે બીજા ભાવો છે તે ખરેખર પરના ભાવો છે. શું કીધું? હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ઇત્યાદિના જે વિકલ્પ ઉઠે છે તે પાપભાવ છે, ને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના જે વિકલ્પ ઉઠે છે તે પુણ્યભાવ છે; એ પુણ્ય-પાપના ભાવ શુદ્ધ ચૈતન્યના ભાવ નથી, પણ ખરેખર તે પરના ભાવો છે.
અહાહા....! ભગવાન આત્મા શુદ્ધ ચિન્મય એટલે ચેતનામય છે; ચેતનાવાળો છે એમે નહિ, ચેતનાવાળો કહીએ ત્યાં તો ભેદ થઈ જાય. આ તો અભેદ એકરૂપ શુદ્ધ ચિન્મય પ્રભુ આત્મા છે એમ કહે છે. અહા! આવા અભેદ એક ચિન્મય આત્માની દ્રષ્ટિ કરી એનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. આવા અનુભવમાં સ્થિરતા ધરવી તે ધર્મ નામ મોક્ષમાર્ગ-મોક્ષનો ઉપાય છે.