Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2948 of 4199

 

૪૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ અર્થી છે તે મોક્ષાર્થી છે. મોક્ષાર્થી કહો કે ધર્મી કહો કે જ્ઞાની કહો-બધું એકાર્થ છે.

નિયમસારમાં પૂર્ણ અતીન્દ્રિય આનંદનો આત્મલાભ-એને મોક્ષ કહ્યો છે. અનંત આનંદની દશા અથવા પૂર્ણ આનંદનો લાભ એનું નામ મોક્ષ છે; અને મોક્ષનો જે અર્થી છે તે મોક્ષાર્થી છે. અહા! આવા મોક્ષનો અર્થી કોણ છે? પૂરણ આનંદસ્વરૂપ જે મોક્ષ તેના કારણરૂપ જે માર્ગ જે અતીન્દ્રિય આનંદના સ્વાદરૂપ છે તે માર્ગમાં જે સ્થિત છે તે મોક્ષમાર્ગી મોક્ષાર્થી છે. બીજી રીતે કહીએ તો મોક્ષ જેનું પ્રયોજન છે અને જે મોક્ષ માટે જ નિરંતર મથે છે તે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા મોક્ષાર્થી છે.

અનંત દુઃખની દશા તે સંસાર છે, એનાથી વિપરીત અનંત-પૂરણ આનંદની દશા તે મોક્ષ છે. અને જેમાં કિંચિત્ આનંદની દશા અને કંઈક દુ;ખની દશા છે એવી સાધકની દશા તે મોક્ષાર્થી છે.

કેવો છે મોક્ષાર્થી? તો કહે છે-નિજ ભગવાન આત્મા જેમાં જ્ઞાન ને આનંદ પૂર્ણ સ્વભાવ પડયાં છે એની જેને દ્રષ્ટિ થઈ છે; વસ્તુ પૂરણ શુદ્ધ પૂર્ણાનંદમય છે તેનું જેને જ્ઞાન થયું છે અને અંતરમાં રમણતારૂપ જેને આચરણ પ્રગટ થયું છે-અહા! આવો તે મોક્ષાર્થી છે. છે ને અંદર? કે જેના ચિત્તનું ચરિત્ર અર્થાત્ આચરણ ઉદાત્ત છે અર્થાત્ ઉદાર, ઉચ્ચ, ઉજ્જ્વળ છે. અહા! ક્ષણે ક્ષણે એના આનંદની રમણતા વધતી જાય છે.

કહે છે- ‘જેના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત છે એવા મોક્ષાર્થીઓ.....’ જોયું? મોક્ષાર્થીના ચિત્તનું એટલે જ્ઞાનનું આચરણ અત્યંત ઉદાત્ત એટલે ઉદાર, ઉચ્ચ, ઉજ્જ્વળ છે. ભગવાન આત્મા જ્ઞાન- સ્વરૂપ છે. એમાં આચરણ (રમણતા) કરવું એ ચેતનનું આચરણ છે. સમ્યગ્દ્રષ્ટિને આવું આત્માનું આચરણ હોય છે. અહા! આવું આચરણ કરવામાં તે ઉદાર છે. અંદરમાંથી આનંદ કાઢવામાં તે ઉદાર છે. જેમ કોઈ દાનેશ્વરી દાન દેવામાં ઉદાર હોય છે ને? તેમ આ પણ અંદરમાંથી આનંદ કાઢી પોતાને દેવામાં ઉદાર છે. અહા! આવું ઉદાર ને ઉજ્જ્વળ અર્થાત્ રાગરહિત પવિત્ર આચરણ સમ્યગ્દ્રષ્ટિને હોય છે.

વસ્તુ ભગવાન આત્મા શુદ્ધ ચેતનાસ્વરૂપ છે. તેમાં અંતર-એકાગ્ર થઈ તેમાં રમવું, ચરવું, ઠરવું તે જ્ઞાનનું આચરણ છે. સમ્યગ્દ્રષ્ટિને-મોક્ષાર્થીને આવું આચરણ અતિ ઉદાત્ત એટલે ઉદાર, ઉચ્ચ ને ઉજ્જ્વળ હોય છે. જુઓ એને જે બાહ્ય વ્રતાદિ હોય છે તે આચરણ -એમ વાત નથી. એ આચરણ ક્યાં છે? એને તો ઉપચારથી આચરણ કહ્યું છે. આ તો જ્ઞાનમાં-આનંદમાં રમવા-ચરવા-ઠરવારૂપ, અહા! જે આનંદના સ્વાદરૂપ છે-એવા આત્માના આચરણની વાત છે. સમજાણું કાંઈ.....?

અહો! શું દિગંબર સંતોની વાણી! જાણે રામબાણ! અજ્ઞાનનો (-રાગનો) નાશ કરી જ્ઞાનનું આચરણ પ્રગટ કરાવે એવી અહો! આ રામબાણ વાણી છે.