૪૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ સ્વભાવ તો અંદર એકરૂપ ત્રિકાળ શુદ્ધ જ છે. અહાહા...! ભગવાન આત્મા અંદર દેહ ને રાગથી - વિકારથી ભિન્ન અને વર્તમાન પર્યાયથી ને ભેદના ભાવથીય ભિન્ન એવો ત્રિકાળ શુદ્ધ જ છે. સમકિતી પોતાના આવા અભ્યંતર સ્વરૂપને અનુભવે છે અને એનું નામ ધર્મ છે. સમજાય છે કાંઈ...? શુદ્ધ ને અનુભવ્યો ત્યારે ‘શુદ્ધ’ છે એમ જાણ્યું ને એનું નામ ધર્મ છે. આવી વાત છે!
अहं न अस्मि’ આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી; ‘यतः अत्र ते समग्राः अपि मम परद्रव्यम्’ કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.
શું કહે છે? કે આ જે ચૈતન્યથી ભિન્ન લક્ષણવાળા દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અનેક પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી. ઝીણી વાત છે ભાઈ! સાધક દશા છે ને? પૂરણ સર્વજ્ઞ વીતરાગની દશા નથી. તો કહે છે-મારી પર્યાયમાં અસંખ્ય પ્રકારના શુભ ને અશુભ ભાવો પ્રગટ થાય છે. ભાષા જુઓ! પહેલાં કહ્યું કે-હું સદાય એકરૂપ શુદ્ધ ચિન્માત્ર છું; હવે કહે છે-ચેતનાથી ભિન્ન લક્ષણવાળા વિવિધ ભાવો મારી પર્યાયમાં ‘समुल्लसन्ति’ એટલે પ્રગટ થાય છે. અહાહા...! અહીં શું કહેવું છે? કે-મુનિ-ધર્મી- મોક્ષમાર્ગી એવો હું મને એકરૂપ જ અનુભવું છું અને આ ભિન્ન લક્ષણવાળા અનેક જે ભાવો પર્યાયમાં પ્રગટ થાય છે ‘ते अहं न अस्मि’ તે હું નથી અર્થાત્ આ ભાવો મારાથી ભિન્ન જ છે, તેઓ હું નથી. અંતરની સુક્ષ્મ વાત છે.
લોકો તો વ્રત, તપ આદિ શુભભાવોને સાધન માને છે, જ્યારે અહીં કહે છે-તે હું નહિ. પૃથક્લક્ષણવાળા તે અનેક ભાવો આવે છે ખરા, પણ તે હું નહિ, તેઓ મારા શુદ્ધ એક ચિન્મય સ્વભાવથી ભિન્ન જ છે. વિકારલક્ષણવાળા છે ને? માટે તેઓ ભિન્ન જ છે. ભાઈ! આ મહિના મહિનાના ઉપવાસ-તપ કરે એ શુદ્ધ આત્મા નહિ અને તે આત્માનો ધર્મ નહિ. બહુ આકરી વાત બાપા! કમજોરીથી તે ભાવો પ્રગટ થાય છે. પણ ધર્મી કહે છે-તે હું નહિ; હું તો શુદ્ધ એક ચિન્માત્ર આત્મા છુું. લ્યો, આ પ્રમાણે ધર્મીને સ્વસ્વરૂપની અસ્તિના ભાનમાં પરભાવોની નાસ્તિ આવી જાય છે. ‘આ હું છું’ એવા ભાનમાં ‘આ હું નથી’ - એમ આવી જાય છે. સમજાણું કાંઈ...?
એક સમયની કેવળજ્ઞાનની પર્યાય પરિપૂર્ણ છે. એ પર્યાયમાં પોતાના દ્રવ્ય-ગુણ અને ત્રણે કાળની પર્યાયનું તથા છયે દ્રવ્યોનું જ્ઞાન આવે છે. પણ પર્યાયમાં દ્રવ્ય-ગુણ કે છ દ્રવ્યો આવતાં (પ્રવેશતાં) નથી. તેવી રીતે શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ ‘આ હું છું’ એવું ધ્રુવના અસ્તિત્વનું અને ‘આ હું નથી’ - એમ રાગાદિનું જ્ઞાન આવે છે, પણ રાગાદિ પદાર્થો કાંઈ એમાં આવતા (પ્રવેશતા) નથી, ભિન્ન જ રહે છે. આ પ્રમાણે સ્વસ્વરૂપમાં એકાગ્ર થઈને પરિણમતા જ્ઞાનીને પોતાના જ્ઞાનમાં રાગાદિ પરભાવો પોતાનાથી ભિન્ન ભાસે છે.