સમયસાર ગાથા-૩૦૦ ] [ ૪૭૧
જ્ઞાની કહે છે-પર્યાયમાં પ્રગટ થતા આ વિવિધ શુભાશુભ ભાવો તે હું નથી કારણ કે તેઓ બધાય મને પરદ્રવ્ય છે. એમ કે તે પરભાવો બધા પરદ્રવ્ય છે એમ હું જાણું છું. અંતરમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે પ્રગટ નિર્મળ રત્નત્રયની પરિણતિ એ મારું સ્વ છે, પણ આ રાગાદિ ભાવો બધા મને પરદ્રવ્ય છે. અહા! જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ષોડશકારણ ભાવનાઓ પણ મને પરદ્રવ્ય છે એમ કહે છે. પ્રકૃતિ જે બંધાય તે તો અજીવ પર છે જ, પરંતુ જે વ્યવહારરત્નત્રયના વિકલ્પ ઉત્પન્ન થાય તે પણ મને અજીવ પરચીજ છે એમ કહે છે. સમજાણું કાંઈ...?
હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છેઃ-
‘परद्रव्यग्रहं कुर्वन’ જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે ‘अपराधवान’ તે અપરાધી છે, ‘बध्येत एव’ તેથી બંધમાં પડે છે,..................
પરદ્રવ્ય એટલે વ્રત, તપ, ભક્તિ, દયા, દાન આદિ પરભાવોને જે પોતાના માની ગ્રહણ કરે છે એ અપરાધી એટલે ગુન્હેગાર છે. શું કહ્યું આ? કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર-ભણતરનો રાગ અને પાંચમહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહારરત્નત્રયનો રાગ કે જેને ધર્મી પુરુષ પરદ્રવ્ય જાણે છે તેને પોતાનું માનવું તે અપરાધ-ગુન્હો છે; અને એવો અપરાધી જીવ બંધનમાં પડે છે. ભાઈ! જેટલા વ્યવહારના વિકલ્પો ઉત્પન્ન થાય છે તે બધા પરદ્રવ્ય છે. તેને જે ભલા અને સ્વદ્રવ્ય જાણે છે તે ગુન્હેગાર-ચોર-અપરાધી છે. લ્યો, આ સોનું ચાંદી, ને જરઝવાહરાત તે પરદ્રવ્ય એ તો ક્યાંય રહી ગયાં. સમજાણું કાંઈ...?
હવે કહે છે- ‘स्व द्रव्ये संवृतः ‘જે સ્વદ્રવ્યમાં જ સંવૃત છે એવો યતિ ‘अनपराधः’ નિરપરાધી છે ‘न बध्येत’ તેથી બંધાતો નથી.
અહાહા...! જે મુનિરાજ સ્વદ્રવ્યમાં જ સંતુષ્ટ થઈ રમે છે તે નિરપરાધી છે. જે પરદ્રવ્ય-પરભાવને વાંછતો નથી પણ નિત્યાનંદ-સહજાનંદસ્વરૂપ સ્વદ્રવ્યમાં જ ગુપ્ત થઈ તૃપ્ત-તૃપ્ત રહે છે તે નિરપરાધી છે અને તેથી તે બંધાતો નથી.
કેટલાક કહે છે-અત્યારે શુદ્ધ ઉપયોગ નથી, માટે પુણ્ય એ જ ધર્મ છે. અરે! તું શું કહે છે ભાઈ? શુદ્ધ ઉપયોગ નથી તેથી શું પુણ્ય ધર્મ થઈ જાય? અહીં તો એને પરદ્રવ્ય કહે છે અને એને ગ્રહણ કરવું તે અપરાધ છે, બંધન છે. અરે ભાઈ! પુણ્ય કરીને તો તું અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો, પણ ભવભ્રમણ મટયું નહિ. અહા! પરદ્રવ્યને-પુણ્યને પોતાનું માને એ મહા અપરાધ છે અને એની સજા ચાર ગતિની જેલ છે.