૪૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
વળી કોઈ કહે છે-કાનજીસ્વામી વ્યવહારનો લોપ કરે છે; એમ કે વ્યવહારથી લાભ થાય એમ કહેતા નથી.
વાત સાચી છે; વ્યવહાર આવે છે, તે હો ભલે; પણ તેથી શું? એ કાંઈ ધર્મ કે ધર્મનું કારણ નથી. જ્ઞાની તેને પરદ્રવ્ય જાણે છે. શું કીધું? કરોડો લગાવીને મંદિર બંધાવે, પ્રતિમા પધરાવે પણ એ ભાવ પરદ્રવ્ય છે એમ જ્ઞાની જાણે છે. અહા! એ ભાવોને પોતાના ગણવા તે મહા અપરાધ છે.
પ્રશ્નઃ– તો કોઈ મંદિરો બંધાવશે નહિ, પ્રતિમા પધરાવશે નહિ. ઉત્તરઃ– ભાઈ! તને ખબર નથી. મંદિર તો એના કાળે એના કારણે થાય છે. એને કોણ બંધાવે? અને ધર્માત્માને એવો રાગ આવ્યા વિના રહેતો નથી, પણ છે એ અપરાધ. માર્ગ બહુ સૂક્ષ્મ છે. બાપા! લોકોને જૈનપણું શું છે એ ખબર નથી.
અહી કહે છે-પરદ્રવ્યને-વ્યવહારના વિકલ્પનેય જે ગ્રહતા નથી તે યતિ નિરપરાધી છે. મુનિરાજને વ્યવહારનો વિકલ્પ આવે, પણ એનો એને આદર નથી. એનાથી લાભ છે વા એ પોતાની ચીજ છે એમ તે માનતા નથી. અહા! આવા! મુનિ-સંત નિરપરાધી છે અને એમને બંધન નથી. જે અલ્પ બંધ થાય છે તેને સ્વભાવની દ્રષ્ટિની મુખ્યતામાં ગણવામાં આવતો નથી. સ્વદ્રવ્ય જે આત્મા એમાં રાગ છે નહિ, તેથી સ્વભાવદ્રષ્ટિવંત મુનિરાજને બંધન નથી. કિંચિત્ રાગ ને બંધ થાય છે તે સ્વભાવની દ્રષ્ટિમાં ગૌણ છે, કેમકે ધર્મી એને પરદ્રવ્ય જાણે છે. સમજાણું કાંઈ...? આવી વાત છે.