સમયસાર ગાથા ૩૦૧ થી ૩૦૩ ] [ ૪૭પ
‘તેમ આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી-એવો નિયમ છે.’
જોયું? કહે છે-આત્મા પણ અશુદ્ધ વર્તતો થકો અપરાધી છે. અશુદ્ધતા (વિકાર- રાગ) છે તે પરદ્રવ્ય છે. તેથી અશુદ્ધતામાં- પરદ્રવ્યમાં વર્તતો થકો જીવ અપરાધ કરે છે. અહાહા.....! દયા, દાન, ભક્તિ આદિના જે ભાવ થાય છે તે પરદ્રવ્ય છે અને તેમાં એકત્વબુદ્ધિથી જે વર્તે છે, વા તે ભાવ મારી ચીજ છે એમ જે માને છે તે અપરાધી છે. સમ્યગ્દ્રષ્ટિને કિંચિત્ અશુદ્ધતા થાય છે પણ તેમાં તે એકત્વપણે વર્તતો નથી. પણ અજ્ઞાની રાગમાં એકત્વપણે વર્તે છે અને તેથી તે અપરાધી છે.
દુનિયામાં અત્યારે છ છ માસના ઉપવાસ ને વ્રત આદિ કરે છે ને? અને એની પાછળ વરઘોડા કાઢે છે ને? અહા! એ ધર્મ છે એ વાત તો દૂર રહો, અહાં કહે છે-એમાં જે (એકપણે) વર્તે છે તે અપરાધ છે. અહા! જે પ્રાણી અશુદ્ધ વર્તે છે અર્થાત્ અશુદ્ધતા મારી ચીજ છે એમ માની વર્તે છે તે અપરાધી-ગુન્હેગાર છે. ગજબ વાત છે ભાઈ! આ દયા, દાન, વ્રતાદિના ભાવ ભલા છે ને મારા છે એમ માનીને જે વર્તે છે તે અપરાધી છે.
અહાહા...! આત્મા ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ છે. તેને છોડી પુણ્ય-પાપના ભાવને પોતાના માની જે વર્તે છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, અપરાધી પાપી છે. તે બંધનને પ્રાપ્ત થાય છે. ભાઈ! રાગ આદિ જે પરદ્રવ્ય છે તેને પોતાના માનવા એ અપરાધ છે અને તેની સજા બંધન છે, ચારગતિની જેલ છે, સમજાય છે કાંઈ....?
અહા! અરિહંત પરમાત્માને જેમાંથી અનંત જ્ઞાન અને અનંત આનંદ પ્રગટ અંદર થાય છે એવી જ્ઞાન ને આનંદની શક્તિ દરેક આત્મામાં પૂર્ણ પડેલી છે. તે ક્યાંય બહારથી પ્રગટ થાય છે એમ નથી. અંદર શક્તિએ વિદ્યમાન છે તે અરિહંત દશામાં પ્રગટ થાય છે.
પંચાસ્તિકાયમાં જ્યાં દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણે એક દ્રવ્યનાં છે, અન્યદ્રવ્યથી ભિન્ન એક સત્તા છે-એમ સિદ્ધ કરવું હોય ત્યાં ‘द्रवति इति द्रव्यम्’ દ્રવે છે તે દ્રવ્ય છે એમ કહ્યું. ત્યાં એમ બતાવવું છે કે અશુદ્ધ પર્યાય પણ પોતે દ્રવ્ય દ્રવે છે. ત્યાં પર્યાય દ્રવ્યની છે એમ એક અસ્તિત્વ (સત્તા) સિદ્ધ કરવું છે. જેમ સમુદ્રમાં તરંગ ઉઠે છે તે સમુદ્રનાં છે તેમ દ્રવ્યમાં જે પર્યાય ઉઠે છે તે દ્રવ્યની છે. પંચાસ્તિકાય ગાથા ર૭માં આવે છે કે- રાગદ્વેષનો કર્તા આત્મા છે. ત્યાં વિકાર આત્માની પર્યાયમાં થાય છે એમ બતાવવું છે.