૪૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ આત્માને ગ્રહણ કરવો કે જેથી નિરપરાધતા પ્રગટ થાય છે અને બંધન થતું નથી. સમજાણું કાંઈ...?
‘જો માણસ ચોરી આદિ અપરાધ કરે તો તેને બંધનની શંકા થાય; નિરપરાધને શંકા શા માટે થાય?’
જુઓ, જે ચોરી આદિ અપરાધ કરે તેને શંકા-ભય થાય કે મને કોઈ પકડશે, બંધનમાં નાખશે. પણ નિરપરાધને શંકા-ભય શું કામ થાય? જે નિરપરાધ છે એ તો નિર્ભય જ છે, તેને બંધનનો ભય નથી.
‘તેવી જ રીતે જો આત્મા પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ કરે તો તેને બંધની શંકા થાય જ; જો પોતાને શુદ્ધ અનુભવે, પરને ન ગ્રહે તો બંધની શંકા શા માટે થાય?’
શું કીધું? કે -જો આત્મા પરભાવને-શુભાશુભ રાગને ગ્રહણ કરે તો તેને ચોરીનો અપરાધ થાય છે, માટે તેને બંધની શંકા-ભય થાય જ. પણ જે પરભાવને ગ્રહે જ નહિ, એક શુદ્ધ આત્માને જ અનુભવે તે નિરપરાધી છે અને તેથી તેને બંધનની શંકા-ભય કેમ થાય? તેને બંધનનો ભય થતો નથી.
‘માટે પરદ્રવ્યને છોડી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. ત્યારે જ નિરપરાધ થવાય છે.’ લ્યો, શુભભાવ કરતાં કરતાં નિરપરાધ થવાય એમ નહિ, પણ સર્વ શુભ ભાવનું પણ સર્વથા લક્ષ છોડીને પોતાના શુદ્ધ એક ચૈતન્યભાવને ગ્રહણ કરવાથી નિરપરાધ થવાય છે એમ કહે છે. જુઓ આ નિરપરાધ થવાની રીત!