૪૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
શું કીધું? ભગવાન આત્મા ચૈતન્યઘન પ્રભુ પરમપવિત્ર અને અબંધ છે. તેનો દ્રષ્ટિમાં સ્વીકાર કરવો અને તેમાં જ લીનતા કરવી તે આત્માની સિદ્ધિ છે. અહીં કહે છે- જેમાં આત્માની સિદ્ધિ-પ્રાપ્તિ થાય તે સાધકભાવ રાધ છે. તે સાધકપણું ભગવાન આત્માની સેવા છે.
લોકો તે જનસેવા તે પ્રભુ સેવા એમ કહે છે ને? પણ એમાં તો ધૂળેય પ્રભુ સેવા નથી સાંભળને. પરની સેવા કોણ કરી શકે છે? આ આંગળી ઊંચી-નીચી થાય છે ને? તે પણ આત્મા કરી શકતો નથી. તે કાંઈ આત્માનું કાર્ય નથી કેમકે એ તો જડ માટી-ધૂળ છે. એનું પરિણમન જડ પરમાણુઓ પલટીને કરે છે; એમાં આત્માનું કાંઈ કાર્ય નથી. અને રાગની સેવા જે કરે છે તેય અજ્ઞાની છે.
ચાલતી મોટરને હાથ વડે અટકાવી દે એવું એક પહેલવાનમાં બળ હતું; અને તેનું એને અભિમાન હતું. પરંતુ તે જ પહેલવાન જ્યારે મરણ-પથારીએ પડયો ત્યારે શરીર પર બેઠેલી માખીનેય ઉડાડવાની એની શક્તિ ન હતી. ભાઈ! શરીરની જડની ક્રિયા કોણ કરી શકે? મફતનું અભિમાન કરે કે મેં આ કર્યું. બાકી દેહ, વાણી ઈત્યાદિ જડની ક્રિયા આત્મા કરી શકતો નથી. તથાપિ એ મિથ્યા અભિમાન કરે એમાં તો બંધની સિદ્ધિ થાય છે. અહા! એ બંધનો સાધકભાવ છે. સમજાણું કાંઈ...?
ભાઈ! પર તરફના લક્ષવાળા ભાવો-ચાહે હિંસાદિ પાપના હો કે અહિંસાદિ પુણ્યના હો-તે સર્વ ભાવો અપરાધ છે. પુણ્યના ભાવો પણ અપરાધ જ છે. તે ભાવો બંધ સાધક છે. તે ભાવોનું સેવન કરે તે બંધનું જ સેવન કરે છે અને તેને સંસારની જ સિદ્ધિ થાય છે. ભાઈ! રાગનું સેવન તે સંસારની જ સિદ્ધિ છે. અહા! આવું યથાર્થ જાણીને જે સમસ્ત પરભાવોથી વિમુખ થઈ આત્મસન્મુખ થાય છે, ભગવાન આત્માનાં નિર્મળ જ્ઞાન- શ્રદ્ધાન ને અંતર-રમણતારૂપ ચારિત્ર પ્રગટ કરે છે તેને આત્માની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે. આવી વાત છે.
ભાષા તો સાદી છે ભગવાન! પણ ભાવ ગંભીર છે. અહા! જેને એકાવતારી ઇન્દ્રો પણ અતિ વિનમ્ર થઈ એકચિત્તે સાંભળે તે ભગવાનની વાણીની ગંભીરતાની શી વાત! અહા! તે અપાર ગંભીર ને અદ્ભૂત અલૌકિક છે.
જુઓ, ઉપર સૌધર્મ દેવલોક છે. તેમાં બત્રીસ લાખ વિમાન છે. પ્રત્યેક વિમાનમાં અસંખ્ય દેવ છે. તેનો સ્વામી શક્રેન્દ્ર છે. તે ત્રણ જ્ઞાનનો ધારક સમકિતી આત્મજ્ઞાની છે. તે એકાવતારી અર્થાત્ હવે પછી એક ભવ કરીને મનુષ્ય થઈને મોક્ષ જશે. તેની પત્ની શચી પણ એકાવતારી છે. જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે તો મિથ્યાદ્રષ્ટિ હતી. પરંતુ તે ઇન્દ્ર સાથે ભગવાનની વાણી સાંભળવા જતી ત્યાં તેને અંતર-સ્વભાવનો આશ્રય થવાથી આત્મજ્ઞાન થયું હોય છે, તે પણ એક ભવ કરીને મોક્ષ જશે. અહા! શુક્ર અને