સમયસાર ગાથા ૩૦૪-૩૦પ ] [ ૪૮૧
ચાહે તો દયા, દાન, વ્રતાદિના પુણ્યભાવ હો તોપણ તે પરદ્રવ્ય છે, પરભાવ છે. અહીં કહે છે-એ પુણ્ય-પાપના સર્વ પરભાવોને છોડીને એક ચિદાનંદઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ, એનું જ્ઞાન અને એમાં રમણતા થવી તે શુદ્ધ આત્માની સિદ્ધિ છે. શું કીધું? કે અંદર નિર્મળ રત્નત્રયરૂપ સાધકભાવ પ્રગટ થયો ત્યારે ભગવાન આત્માની સિદ્ધિ થઈ; ત્યારે વસ્તુ ત્રિકાળી શુદ્ધ આ છે એમ સિદ્ધ થયું અર્થાત્ ત્યારે સાધન થયું. અહીં કહે છે-આવી સાધનદશા પ્રગટ થઈ તે રાધ છે. આ, અપરાધની સામે રાધ શબ્દ છે. અહીં શું કહેવું છે? કે નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા છે. તેનો આશ્રય કરવાથી જે અંદર સાધક ભાવ પ્રગટ થયો, નિર્મળ રત્નત્રય પ્રગટ થયા કે જેમાં ભગવાન આત્માની સિદ્ધિ થઈ તે સાધકભાવ રાધ છે, શુદ્ધ આત્માનું સેવન છે.
અહા! અનાદિથી જીવને પુણ્ય-પાપના ભાવ જે વિકાર છે તેની સિદ્ધિ હતી. આ વિકાર છે તે હું છું એમ એને મિથ્યાત્વનું-અપરાધનું સેવન હતું. હવે તે જ આત્માને જ્યારે ગુલાંટ ખાઈને હું તો શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ આત્મા છું-એમ એનાં જ્ઞાન-શ્રદ્ધાન ને રમણતા થયાં ત્યારે તેને પર્યાયમાં શુદ્ધ આત્માની સિદ્ધિ થઈ. આવો સાધક ભાવ જે છે તે રાધ છે, આત્માનું સેવન છે-એમ કહે છે. આનું નામ ધર્મ ને મોક્ષનો માર્ગ છે.
ભાઈ! ભગવાનનો માર્ગ બહું ઝીણો છે. વળી, એણે બધું બહારથી કલ્પ્યું છે એટલે આ ઝીણું પડે છે. અરે! ધર્મના નામે અત્યારે તો ભારે ગોટાળો ચાલી રહ્યો છે. ચોર કોટવાળને દંડે એવી અત્યારે સ્થિતિ છે. પણ બાપુ! મારગ તેં કલ્પ્યો છે તેવો નથી. અહા! વીતરાગ પરમેશ્વરની અકષાય કરુણાથી આવેલી આ વાણી સાંભળ તો ખરો પ્રભુ! વ્રત કરવાં ને તપ કરવાં ને ચોવિહાર કરવો-એ બધી ક્રિયા તો રાગ છે, તે અપરાધ છે, ગુન્હો છે, ચોરી છે. અહા! તે અપવિત્ર, અશુદ્ધ, બાધક ને વિરાધક ભાવ છે. તે બંધનું કારણ છે. એક ભગવાન આત્મા જ પરમ પવિત્ર અબંધ છે.