૪૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ આત્માની સિદ્ધિ છે અને એ જ સાધકપણું છે, એ જ રાધ નામ આત્માની સેવા છે. સમજાણું કાંઈ...?
સમયસાર ગાથા ૧૭ - ૧૮ માં આવે છે કે-આબાલગોપાળ સર્વને તેમની જ્ઞાનની પર્યાયમાં આત્મા જાણવામાં આવી રહ્યો છે. શું કીધું? ભાઈ! તારી જ્ઞાનની દશામાં સ્વજ્ઞેય એવો ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. જ્ઞાન સ્વપરપ્રકાશક છે ને? તેથી અજ્ઞાનીને પણ એની જ્ઞાનની પર્યાયમાં આત્મા તો જણાઈ રહ્યો છે. પણ શું થાય? એની દ્રષ્ટિ એના ઉપર નથી. એની દ્રષ્ટિ બહાર પર-રાગ ને નિમિત્તાદિ-પર છે. અહા! એની બહિરાત્મદ્રષ્ટિ છે અને તેથી તેને પરનું-રાગાદિનું અસ્તિત્વ ભાસે છે. પણ જ્યારે એ જ ગુલાંટ મારીને અંદરમાં પૂર્ણાનંદના અસ્તિત્વને દેખે છે ત્યારે હું આવો શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા છું-એમ એને આત્માની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે. એ જ સાધકભાવ છે અને એ જ રાધ છે.
હવે કહે છે- ‘જે આત્મા “અપગતરાધ” અર્થાત્ રાધ રહિત હોય તે આત્મા અપરાધ છે.’
જુઓ, શું કીધું? કે જે આત્મા રાધ રહિત એટલે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપની સેવાથી રહિત છે, સાધકપણાથી રહિત છે, વા આત્માની સિદ્ધિથી રહિત છે તે અપરાધ છે. શુદ્ધ આત્માના જ્ઞાન-શ્રદ્ધાન ને આચરણથી રહિત છે તે આત્મા અપરાધ છે. જુઓ, કર્મનું- નિમિત્તનું જોર છે માટે અપરાધી છે એમ નહિ, પણ સાધકપણાથી રહિત છે, શુદ્ધ આત્માના સેવનથી રહિત છે માટે અપરાધી છે એમ કહે છે. તે અપરાધ પોતાનો પોતાના કારણે છે. હવે કહે છે-
‘અથવા (બીજો સમાસવિગ્રહ આ પ્રમાણે છેઃ) જે ભાવ રાધ રહિત હોય તે ભાવ અપરાધ છે.’
જુઓ, પહેલાં એમ કહ્યું કે જે આત્મા રાધ રહિત છે તે અપરાધ છે, ને હવે એમ કહ્યું કે જે ભાવ રાધ રહિત છે તે અપરાધ છે. અહા! જે ભાવ વડે શુદ્ધ આત્માનું સેવન ન થાય તે રાગાદિ ભાવ સર્વ અપરાધ છે. અને જેનો ભાવ અપરાધ છે તે આત્મા અપરાધ છે-એમ વાત છે.
હવે કહે છે- ‘તે અપરાધ સહિત જે આત્મા વર્તતો હોય તે આત્મા સાપરાધ છે.’ અહા! આત્મા તો શુદ્ધ ચૈતન્ય પ્રભુ આત્મા છે, પરંતુ જે આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યની સન્મુખતાનો અનાદર કરનાર એવા પુણ્ય-પાપ આદિ રાગભાવમાં વર્તે છે તે સાપરાધ છે, ગુન્હેગાર છે. પ્રત્યેક આત્મા અંદરમાં તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન સ્વરૂપે અંદર સદા વિરાજી રહ્યો છે. પણ અજ્ઞાનીને તે કેમ બેસે? પોતાના શુદ્ધ અસ્તિત્વની જેને ખબર નથી એવો અજ્ઞાની તો પુણ્ય આદિ વ્યવહારભાવોમાં