૪૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ આત્મ - અનુભવથી અપેક્ષાએ ખરેખર તે ઝેર છે; પણ એનો (આત્માનુભવનો) સહચર જાણી તેને આરોપ આપીને વ્યવહારથી અમૃતકુંભ કહ્યો છે. હવે એનો પક્ષ કરીને આ કહે છે કે - શુભથી અશુભ મટે છે માટે પ્રથમ શુભ કરવું જોઈએ, તેને શ્રીગુરુ કહે છે -
ભાઈ! સાંભળ! વીતરાગનો મારગ વીતરાગભાવથી ઉત્પન્ન થાય છે, રાગથી નહિ. તથાપિ બાહ્યદ્રવ્યનું - ચાહે તે બાહ્યદ્રવ્ય જિનબિંબ હો, સાક્ષાત્ જિન ભગવાન હો કે પંચપરમેષ્ઠી હો - આલંબન લેતાં ધર્મીને જે શુભરાગ ઉત્પન્ન થાય છે તેને વ્યવહારથી જિનવાણીમાં અમૃતકુંભ કહ્યો છે, પણ નિશ્ચયથી તે ઝેર છે. વીતરાગભાવની પ્રગટતા વિના ધર્મની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ ને પૂરણતા કદીય સંભવિત નથી. ભાઈ! એમ તો ભગવાનના સમોસરણમાં જઈને મણિરત્નના દીવા, હીરાના થાળ અને કલ્પવૃક્ષનાં ફૂલ લઈ ને તેં ભગવાનની અનંતવાર પૂજા કરી છે. પણ તેથી શું? પરાવલંબી શુભનું લક્ષ છોડી સ્વ-આશ્રયે પરિણમ્યા વિના ધર્મની ઉત્પત્તિ થતી જ નથી.
નિવૃત્તિઃ– વિષય-કષાયરૂપ અશુભથી હઠી શુભમાં આવવું તે નિવૃત્તિ છે. જેને અંતરમાં શુદ્ધ નિશ્ચયનો અનુભવ છે તે ધર્મીને આવો શુભભાવ હોય છે અને તેને વ્યવહારથી અમૃત કહેલ છે. સ્ત્રી-કુટુંબ પરિવાર, ધનસંપત્તિ આબરૂ ઈત્યાદિના મમતાના પાપભાવમાં વર્તતા ચિત્તને હઠાવી દેવું તે શુભભાવ છે. અજ્ઞાનીનો આવો શુભભાવ એકલું ઝેર છે અને સમકિતીના એવા શુભભાવને વ્યવહારથી અમૃત કહ્યું છે તોપણ નિશ્ચયથી તે ઝેર છે.
જેમ ચોખાની બોરીનું વજન પણ ચોખાની ભેગું કરવામાં આવે છે. પણ એ બોરીનું બારદાન કાંઈ ચોખા નથી. ચોખા ને બારદાન બે ભિન્ન જ છે. તેમ ભગવાન આત્મા સ્વ-આશ્રયે પ્રગટ થયેલા અતીન્દ્રિય આનંદનો અનુભવ કરે છે તે ધર્મ છે અને જે રાગ આવે છે તે ધર્મ નથી, તે બારદાનની જેમ ભિન્ન જ છે. તેને ધર્મ પરિણતિનો સહચર જાણી ઉપચારથી અમૃત કહે છે પણ છે તો એ બારદાનની જેમ ભિન્ન જ; એ કાંઈ ધર્મ નથી. બાપુ! વીતરાગનો મારગ મહા અલૌક્કિ છે; અને તે વીતરાગતાથી જ ઉત્પન્ન થાય છે. વીતરાગસ્વરૂપ - જિનસ્વરૂપ ભગવાન આત્મા છે; તેનો આશ્રય કરવાથી જેટલો વીતરાગભાવ થયો તે ધર્મ છે, અમૃત છે અને તેમાં કમી રહેતાં પરાવલંબી જેટલો શુભરાગ રહ્યો તે નિશ્ચયથી ઝેરનો ઘડો છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?
નિંદાઃ– આત્મસાક્ષીપૂર્વક દોષોને પ્રગટ કરવા. અશુભભાવ આવી ગયો હોય તો તેની નિંદા કરવી કે - અરે! આ શું? આવો પાપનો ભાવ આવી ગયો! આ પ્રમાણે આત્મસાક્ષીએ દોષોની નિંદા કરવી-એ શુભભાવ નિંદા છે. તે સમકિતીને હોય છે. વાસ્તવમાં તે અતીન્દ્રિય આનંદરૂપી અમૃતના સ્વાદથી વિપરીત છે તોપણ સહચર જાણી તેને વ્યવહારથી અમૃત કહેવામાં આવેલ છે. પણ તે નિશ્ચયે અમૃત નથી.