સમયસાર ગાથા ૩૦૪-૩૦પ ] [ ૪૯પ સમયસાર ગાથા ૧૧માં (ભાવાર્થમાં) કહ્યું છે કે વ્યવહારનો જે પક્ષ છે તેનું ફળ બંધન- સંસાર જ છે.
ગર્હાઃ– ગુરુની સાક્ષીએ દોષોને પ્રગટ કરવા, પોતાને જે કોઈ પાપકર્મ થયું હોય તે અતિ નિચ્છલભાવે ગુરુ પાસે જઈને જાહેર કરવું-એવો શુભભાવ ગર્હા છે. સમકિતીને એવો શુભભાવ હોય છે એને ઉપચારથી અમૃત કહીએ તોપણ વાસ્તવમાં તે ધર્મ નથી, અમૃત નથી.
શુદ્ધિઃ– જે પાપકર્મ થયું હોય તેનું પ્રાયશ્વિત લેવું - એવો જે શુભભાવ છે તે શુદ્ધિ છે. આવો શુભભાવ સમકિતીને હોય છે પણ તે ધર્મ નથી; ઉપચારથી એને અમૃત કહેવામાં આવેલ છે એ જુદી વાત છે, પણ નિશ્ચયથી એ ધર્મ નથી.
જુઓ, આ આઠ બોલને વ્યવહારના શાસ્ત્રોમાં અમૃત કહ્યા છે એટલે શિષ્યે તે વાતને મુખ્ય કરીને કહ્યું કે - તમે પ્રથમથી જ આત્માની દ્રષ્ટિ કરો, સમ્યગ્દર્શન કરો, આત્માનુભવ કરો એમ કહો છો, પણ અમને પહેલાં અશુભ જે વડે ટળે તે શુભને તો કરવા દો. શુભથી અશુભ તો ટળે છે ને? એના ઉત્તરમાં નિશ્ચયનયની પ્રધાનતાથી આચાર્યદેવ હવે ગાથાઓ દ્વારા સમાધાન કરે છે.