સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ પ૦૩ અનુભવ થયો છે એવા ધર્મી પુરુષને સવાર-સાંજ દ્રવ્યપ્રતિક્રમણાદિરૂપ શુભભાવ આવે છે એની વાત છે. શું કહે છે? કે ધર્મી જીવને જે દ્રવ્ય પ્રતિક્રમણાદિ શુભભાવ હોય છે તે અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં સમર્થ છે. અહા! ધર્મી પુરુષને શુભભાવમાં અશુભ ઘટે છે ને? તેથી કહ્યું કે એના પ્રતિક્રમણાદિ શુભભાવો વ્યવહારે અમૃતકુંભ છે.
જુઓ, ધર્મીને આ દ્રવ્યપ્રતિક્રમણાદિ શુભભાવો, રાગાદિ દોષો ઘટાડવામાં સમર્થ છે, અભાવ કરવામાં નહિ. રાગાદિનો અભાવ તો એક શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપનો આશ્રય લેવાથી થાય છે, પણ અંતરમાં શુદ્ધ એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી અમૃતસ્વરૂપ પ્રભુ આત્માનું ભાન થયું છે તેને જે નિંદા, ગર્હા આદિનો વ્યવહાર-શુભરાગ આવે છે એનાથી અશુભ ઘટે છે એ અપેક્ષાએ શુભરાગને વ્યવહારથી (વ્યવહારના શાસ્ત્રોમાં) અમૃતકુંભ કહ્યો છે. સમજાણું કાંઈ...? ભાઈ! જેને આત્મજ્ઞાન અંદરમાં થયું નથી એને તો એ બધા શુભભાવ એકલું ઝેર છે.
અહા! સમ્યગ્દ્રષ્ટિ સાચા સંત-મુનિ જેને સ્વાનુભવ સહિત અંદરમાં આત્મામાં રમણતા થઈ છે એની આ વાત છે. કોઈ બહારથી લુગડાં ઉતારી નાખે ને મહાવ્રતાદિ લઈ લે એની આ વાત નથી. બાપુ! એ (મહાવ્રતાદિ) તો નિશ્ચયથી ચારિત્ર છે જ નહિ. સ્વરૂપમાં અંદર જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં ચરવું એનું નામ ચારિત્ર છે. અહાહા! ‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ’ -અહાહા...! આવા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપમાં ચરવું, રમવું ને ઠરવું-એને વીતરાગમાર્ગમાં ચારિત્ર કહ્યું છે. અહા! આવા ચારિત્રવંતને નિંદા, ગર્હા આદિ પરદ્રવ્યના આલંબનરૂપ શુભભાવ આવે છે. તેને પંચપરમેષ્ઠીનું સ્મરણ, સ્તુતિ આદિ શુભરાગ પણ આવે છે. તે શુભરાગમાં, કહે છે, પાપને ઘટાડવાની-અભાવ કરવાની નહિ, ઘટાડવાની-તાકાત છે. તેથી તેને વ્યવહારે અમૃતકુંભ કહેલ છે.
આ સમકિતી ધર્મી પુરુષની વાત છે. જેને પોતે આત્મા કોણ અને કેવો છે એની ખબરેય નથી અને જે બાહ્ય ક્રિયામાં ધર્મ માની રાચે છે એની અહીં વાત નથી. એવા જીવો તો સ્વયં અપરાધરૂપ પ્રવર્તતા થકા ચારગતિમાં રખડવાના માર્ગે જ પડેલા છે. અહીં તો જેણે ભવબીજ છેદી નાખ્યું છે ને ભવ ને ભવના ભાવરહિત ભગવાન આત્માના આનંદનો સ્વાદ માણ્યો છે તેને જે પ્રતિક્રમણાદિ આઠ પ્રકારે શુભભાવ આવે છે તેમાં અશુભ ઘટતું હોવાથી, કહે છે, તે શુભભાવો અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં સમર્થ છે; તેથી તે શુભભાવો વ્યવહારથી અમૃતકુંભ છે. સાક્ષાત્ અમૃત તો દોષનો પરિહાર કરવામાં સમર્થ એવો સ્વાનુભવ જ છે. સમજાણું કાંઈ...?
ભાઈ! આ શાસ્ત્રની મૂળ ગાથા બે હજાર વર્ષ પહેલાંની છે, તથા ટીકા હજાર વર્ષ પહેલાંની છે અને આ અલિપ્રાય તો અનંતકાળથી છે. જુઓ, ભગવાન સીમંધરનાથ