Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2984 of 4199

 

પ૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ મહાવિદેહમાં હમણાં બિરાજે છે. ત્યાં ભગવાન કુંદકુંદાચાર્ય સંવત ૪૯માં ગયા હતા; આઠ દિવસ ત્યાં રહ્યા હતા. તે વખતે સભામાં પ્રશ્ન થયો કે આ નાનકડું પતંગિયા જેવું મનુષ્ય કોણ છે? ત્યાં ભગવાનની વાણીમાં આવ્યું કે આ ભરતક્ષેત્રના આચાર્ય છે. અહા! એ આચાર્યદેવ અહીં આડતિયા થઈને આ જાહેર કરે છે કે-આત્મા પૂરણ જ્ઞાનાનંદરૂપી અમૃતનો કુંભ છે. અહાહા...! આવો અમૃતનો કુંભ જેને (પર્યાયમાં) પ્રગટ થયો છે એવા ધર્મીને પ્રતિક્રમણ આદિ આઠ પ્રકારે કહ્યા છે તે શુભભાવ આવે છે. તે (શુભભાવો) પાપના દોષોને ક્રમેક્રમે ઘટાડવામાં સમર્થ હોવાથી અમૃતકુંભ છે એમ વ્યવહારથી વ્યવહાર આચારસૂત્રમાં કહ્યું છે.

હવે કહે છે-તોપણ પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી વિલક્ષણ એવી ત્રીજી અપ્રતિક્રમણાદિરૂપ ભૂમિને નહિ દેખનારને દ્રવ્ય પ્રતિક્રમણાદિ અપરાધ કમ કરવારૂપ પોતાનું કાર્ય કરવા અસમર્થ છે. જોયું? આત્માના નિશ્ચય અનુભવ વિના શુભરાગમાં દોષ ઘટાડવાની શક્તિ નથી. આત્માનો નિશ્ચય અનુભવ જેને પ્રગટ થયો છે એવા ધર્મી પુરુષના શુભભાવમાં દોષ ઘટાડવાની શક્તિ છે પણ આત્માનુભવરહિત અજ્ઞાનીજનના શુભભાવમાં દોષ ઘટાડવાની શક્તિ નથી.

મિથ્યાદ્રષ્ટિ કે જેને શુભાશુભરહિત ત્રીજી ભૂમિ શું-એની ખબર નથી, અહાહા...! જેને અંતરમાં શુદ્ધોપયોગ થયો નથી એવા જીવને આ પ્રતિક્રમણાદિ છે તે અપરાધરૂપ છે, તે દોષ ઘટાડવા અસમર્થ છે. અહા! હું એક શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાતા-દ્રષ્ટા જ છું એવું જેને અંતરમાં ભાન થયું નથી તે અજ્ઞાની જીવ દ્રવ્ય પ્રતિક્રમણાદિ કરો તો કરો, તેને તે ક્રિયા દોષ ઘટાડવા શક્તિમાન નથી, ઉલટું વિપક્ષ એટલે બંધનનું કાર્ય કરે છે. કરેલા દોષોનું નિરાકરણ કરવું, સમકિત આદિ ગુણોની પ્રેરણા કરવી, મિથ્યાત્વાદિ દોષોનું નિવારણ કરવું, પંચનમસ્કાર આદિનો ભાવ અર્થાત્ પ્રતિમા આદિનું આલંબન, બાહ્ય વિષયકષાયથી ચિત્તને હઠાવવું, આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું, ગુરુ સાક્ષીએ દોષોને પ્રગટ કરવા, દોષ થતાં પ્રાયશ્ચિત લઈ વિશુદ્ધિ કરવી-એ આઠે બોલ શુભભાવ છે. તે શુભભાવ જેને ત્રીજી ભૂમિકા નથી અર્થાત્ સમ્યગ્દર્શન નથી, શુદ્ધોપયોગરૂપ પરિણામ નથી તેને ઝેરરૂપ છે, કેમકે એનામાં દોષ ઘટાડવાનું કિંચિત્ સામર્થ્ય નથી.

ત્રીજી ભૂમિકા સહિત જે જીવ છે તેને જે શુભભાવ આવે છે તે દોષ ઘટાડવામાં સમર્થ છે. પણ અજ્ઞાનીના જે શુભભાવ છે તે વિપક્ષ છે, અર્થાત્ દોષ ઘટાડવાનું કાર્ય કરતા નથી પણ ઉલટું બંધ કરવાનું કાર્ય કરે છે. નવાં કર્મ બંધાય એ કાર્ય કરવા તે સમર્થ છે, માટે તે વિષકુંભ જ છે. મિથ્યાત્વસહિત શુભભાવ બંધનું જ કારણ થાય છે. એકલો શુભ-ઉપયોગ એ તો એકલા બંધનું જ કારણ છે, માટે એ ઝેરનો ઘડો છે.