પ૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ભાઈ! એને તેં ધર્મ માન્યો, અમૃત માન્યું પણ અહીં કહે છે-એ તો ઝેર છે, વિષકુંભ છે.
ભગવાન કહે છે-પ્રભુ! તું એકવાર સાંભળ. અંદર તારી ચીજ પુણ્ય-પાપના ભાવથી રહિત-નિર્લેપ શુદ્ધ ચૈતન્યમય પડી છે, એની દ્રષ્ટિ તે સમ્યગ્દર્શન, એનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન અને એમાં રમણતા તે સમ્યક્ચારિત્ર; આ ધર્મ, આ અમૃત ને આ સુખ. ભગવાન! તેં અનંતકાળમાં આ કર્યું નથી અને બહારમાં પરદ્રવ્યમાં ખેંચાઈને માન્યું કે અમે સુખી છીએ, પણ ત્યાં ધૂળેય સુખી નથી સાંભળને. બાપુ! એ પરદ્રવ્યને અવલંબીને થનારા ભાવ તો બધા રાગના-દુઃખના ભાવ છે. એ વડે તું દુઃખી જ છો. એમાં સુખની કલ્પના છે, સુખ ક્યાં છે? એમાં દુઃખ જ છે.
જુઓ, આદમીને વાત, પિત્ત ને કફ જ્યારે ઘણાં વધી જાય ત્યારે સન્નિપતિ થાય છે. ત્યારે તે દાંત કાઢી ખડખડ હસે છે. શું તે સુખી છે? ના; વાસ્તવમાં એને ભાન નથી કે તે દુઃખી છે. તેમ આ જીવને અનાદિનો સન્નિપાત છે. મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર-એ વડે એને સન્નિપાત છે. વિષય-કષાયમાં એ ઠીક માને છે એ સન્નિપાત છે. એ સુખ માને છે પણ શું તે સુખી છે? ના; એને ભાન નથી કે એ દુઃખી છે. બાપુ! જગત્ (શુભરાગમાં) ઠગાય છે અને માને છે કે અમને ધર્મ થાય છે. વાસ્તવમાં એ ઝેરનો ઘડો છે.
ભાઈ! અંદર તું આનંદનો નાથ સચ્ચિદાનંદમય ભગવાનસ્વરૂપ છો. એની અંર્તદ્રષ્ટિ કર્યા વિના જેટલી વ્યવહારની ક્રિયાઓ કરે-ચાહે ચોવીસે કલાક ભગવાન... ભગવાન... ભગવાન-એમ જાપ કરે, મને શિવપદ આપજો રે-એમ પ્રાર્થના કરે-પણ એ બધો શુભરાગ બાપા! ઝેરનો ઘડો છે ભાઈ! ભગવાન કહે છે-તારું શિવપદ અમારી પાસે ક્યાં છે તે આપીએ? તે તારામાં જ છે, અને અંર્તદ્રષ્ટિ વડે જ પ્રાપ્ત થાય એમ છે. બાકી આત્મજ્ઞાનરહિત આ બધી તારી ક્રિયાઓ એકલો વિષકુંભ છે. વ્યવહારના પક્ષવાળાને આ આકરું પડે છે; પણ શું થાય?
જે આત્મજ્ઞાન સહિત છે એવા ધર્મી પુરુષને આવો વ્યવહાર-શુભરાગ આવે છે અને તેને વ્યવહારથી અમૃતકુંભ કહ્યો છે. તથાપિ ખરેખર તો શુદ્ધ ઉપયોગ એ એક જ અમૃતકુંભ છે.
‘પરમાર્થવચનિકા’ માં આવે છે કે-અજ્ઞાની આગમનો વ્યવહાર અનાદિથી કરતો આવ્યો છે તેથી તેને તે સરળ લાગે છે અને તેથી વ્યવહારશ્રદ્ધા આદિ તે કરે છે; પણ તેને અધ્યાત્મના વ્યવહારની ખબર સુદ્ધાં નથી. શુદ્ધ વીતરાગી દશાનિર્મળરત્નત્રય તે અધ્યાત્મનો વ્યવહાર છે, અને ત્રિકાળી દ્રવ્ય તે અધ્યાત્મનો નિશ્ચય છે. આને તે જાણતો નથી અને આગમના વ્યવહારમાં સંતુષ્ટ રહે છે. પણ એથી શું? અહીં કહે છે-એ તો એકલું ઝેર છે. શ્રી જયસેનાચાર્યદેવે આ ગાથાની