સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ પ૦૭ ટીકામાં નિર્મળ રત્નત્રયની અપેક્ષા જ્ઞાનીનો બાહ્ય વ્યવહાર પણ ઝેર છે એમ કહ્યું છે.
અહા! આત્મા તો અંદર પરમાત્મસ્વરૂપ છે. આવે છે ને કે-“સિદ્ધ સમાન સદા પદ મેરો.” અહા! એને આ કેમ બેસે? અરિસામાં જુએ ને ટોપી આમ ફેરવે ને તેમ ફેરવે-એને આ કેમ બેસે? તેને કહીએ છીએ કે-ભાઈ! આ શું થયું છે તને? ભાઈ! શું આ મડદાને શણગારવું છે? આ શરીર તો મૃતક કલેવર છે. સમયસાર ગાથા ૯૬માં આવે છે-કે મૃતક કલેવરમાં અમૃતસાગર આત્મા મૂર્છાઈ ગયો છે. ભાઈ! આ શરીર, જડ માટી-ધૂળ છે. અને ભગવાન આત્મા અમૃતનો પિંડ એનાથી ભિન્ન છે. તો એમાં જાને! અહા! ત્યાં તને અખંડ પ્રતાપ વડે શોભાયમાન તારો અમૃતનો નાથ પ્રાપ્ત થશે.
વળી કેટલાક અજ્ઞાનીઓ માને છે કે અમે સમાજની, દેશની ને જગતની સેવા કરીએ છીએ. પણ પરની સેવા કોણ કરી શકે? તારા શરીરમાં રોગ આવે તેને તું મટાડી શકતો નથી, તારી સ્ત્રી જેને તું અર્ધાંગના કહે છે તે મરવા પડી હોય તો તું બચાવી શકતો નથી તો તું બીજાઓને કેમ બચાવીશ? ભાઈ! એ તો જેનું જેટલું આયુષ્ય હશે તેટલું તે રહેશે. કોણ બચાવે? ને કોણ મારે? પ્રભુ! તને પરની દયાનો ભાવ આવે છે. પણ એક તો તું પરની દયા પાળી શકતો નથી અને બીજું કે પરની દયાનો શુભભાવ, અહીં કરે છે, ઝેરનો, ઘડો છે. ગજબ વાત છે ભાઈ! જો તારે સત્નું શરણું લેવું હશે તો આ સ્વીકારવું પડશે; આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
અહાહા...! આત્મા આનંદનો નાથ પ્રભુ અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી ભરચક (પૂર્ણ) ભરેલો છે. એના અનુભવની વાત બહાર વાણીમાં કેટલી આવી શકે? માત્ર ઈશારા કરી શકાય. જેમ ગુંગો ગોળ ખાય પણ સ્વાદ કેવો છે તે કહી શકે નહિ, તેમ એના આનંદનો સ્વાદ કહી શકાય એમ નથી. માટે હે ભાઈ! સર્વ વિકલ્પનું લક્ષ છોડીને સ્વરૂપમાં અંર્તદ્રષ્ટિ કર. બસ આ જ કરવા યોગ્ય છે; બાકી બધાં થોથેથોથાં છે.
અહીં કહે છે-અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિ છે તે સ્વયં શુદ્ધાત્માની સિદ્ધિપ્રાપ્તિરૂપ છે. વળી તે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરવાવાળી છે. તેથી તે ત્રીજી ભૂમિકા સ્વયં સાક્ષાત્ અમૃતકુંભ છે. અહાહા...! શુદ્ધોપયોગરૂપ ભૂમિકા જેમાં નિર્મળ રત્નત્રય પાકે છે તે સાક્ષાત્ અમૃતકુંભ છે. અહા! આવી ત્રીજી ભૂમિકાવાળા ધર્મી પુરુષને જે દ્રવ્યપ્રતિક્રમણાદિ હોય છે તેને વ્યવહારથી અમૃતકુંભપણું પ્રાપ્ત થાય છે. ખરેખર તે અમૃતકુંભ છે એમ નહિ, પણ સાક્ષાત્ અમૃતકુંભનો સહકારી છે તેથી તેને અમૃતકુંભ ઉપચારથી કહેવામાં આવે છે. હવે કહે છે.