Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2996 of 4199

 

પ૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ આવે છે પણ તેને તે હેય જાણે છે. અરે! ક્રિયાકાંડમાં રોકાઈને જીવો જિંદગી પૂરી કરી નાખે છે પણ વીતરાગ પરમેશ્વર જેને ધર્મ કહે છે તેને સાંભળવાય રોકાતા નથી!

ભાઈ! આ દેહ તો જડ માટી-ધૂળ છે. તે વિનાશિક છે; એની તો બળીને રાખ થશે. પણ ભગવાન! તું તો ત્રિકાળ રહેનારી અવિનાશી ચીજ છો ને! અહાહા...! શાશ્વત ચિદ્ઘન વસ્તુ સદા અસ્તિપણે છો ને પ્રભુ! આવો નિત્ય રહેનારો તું ક્યાં જાય? જો તું રાગથી એકપણું માની રાગમાં રહીશ તો રાગના સ્થાનોમાં ચારગતિમાં રખડી મરીશ. માટે રાગથી છૂટો પડી તારો શાશ્વત ચિદાનંદઘન પ્રભુ આત્મા છે તેમાં જા. એથી તને મોક્ષનું બીજ જે સમ્યગ્દર્શન તે પ્રગટ થશે. ભાઈ! સમ્યગ્દર્શન વિના મહાવ્રતાદિ રાગની સર્વ ક્રિયા થોથાં છે, (મોક્ષ માટે) કાંઈ કામ આવે એમ નથી. સમજાણું કાંઈ...?

હવે કહે છે- ‘आसम्पपूर्ण–विज्ञान–घन–उपलब्धेः’ જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાનઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ‘आत्मनि एव चित्तं आलानितं च’ (શુદ્ધ) આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે.

શું કીધું? કે જ્યાં સુધી પૂરણ દશા અર્થાત્ કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ચિત્તને એટલે જ્ઞાનની દશાને ત્રિકાળી ધ્રુવ સાથે જોડી દીધી છે એમ કહે છે. જ્ઞાનને મહાવ્રતાદિના રાગમાં જોડયું-બાંધ્યું છે એમ નહિ, પણ જ્ઞાનને ભગવાન જ્ઞાતાસ્વરૂપ આત્મામાં બાંધ્યું છે એમ કહે છે. વ્યવહારની અનેક ક્રિયાઓમાં ચિત્ત ભમતું હતું તેને શુદ્ધ એક ચૈતન્યમાત્ર આત્મામાં જોડી દીધું છે, કારણ કે તે જ મોક્ષનું યથાર્થ કારણ છે.

હવે આ સાંભળવાય રોકાય નહિ એ તત્ત્વને કેમ પામે? બહારમાં પાંચ-પચાસ લાખની મૂડી હોય ને ઘરે બે ચાર દીકરા હોય, વરસે-દહાડે બે-પાંચ લાખ કમાતો હોય એટલે જાણે કે ઓહોહોહો...! હું પહોળો ને શેરી સાંકડી એમ ફુલાઈ જાય. પણ સાંભળને બાપા! અનંતકાળથી એમાં જ તું મરી ગયો છો, એ વડે જ તારા ચૈતન્યપ્રાણ હણાઈ રહ્યા છે. ભગવાન! તારામાં એક જીવત્વશક્તિ છે. સત્ના સત્ત્વરૂપ શુદ્ધ જ્ઞાનદર્શન પ્રાણોથી જે વડે જીવે છે એવી જીવત્વશક્તિ છે. અહા! પરદ્રવ્યમાં અહંપણાના ભાવ વડે એ હણાઈ રહી છે અર્થાત્ એની નિર્મળ પ્રગટતા થતી નથી. અહા! આ બાયડી-છોકરાં મારાં ને આ સંપત્તિ મારી-એમ જેનો કાળ જાય છે એની તો વાત જ શી કરવી? એ તો એકલા પાપબંધ વડે સંસારમાં રખડે છે. પણ અહીં કહે છે-સમકિતીને પરદ્રવ્યના આલંબનવાળો દ્રવ્યપ્રતિક્રમણાદિ જે શુભરાગ આવે છે એય બંધનું કારણ હોવાથી હેય છે. માટે, કહે છે, પૂર્ણ વિજ્ઞાનઘનની પ્રાપ્તિ જ્યાંસુધી ન થાય ત્યાં સુધી ચિત્તને શુદ્ધ આત્મામાં જોડી દીધું છે. અહો! કળશમાં કેટકેટલું ભર્યું છે! એમ કે ચિત્તને દ્રવ્યક્રિયાઓમાં જોડયું નથી પણ શુદ્ધ આત્મદ્રવ્યમાં જોડયું છે.