સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ પ૧૭
અહીં કહે છે-મિથ્યાત્વની ભૂમિકામાં થતા પુણ્ય ને પાપના ભાવની એમ વાત જ કરતા નથી. જેઓ મિથ્યાત્વસહિત છે તેઓ તો એકલા પાપથી હણાયેલા ચારગતિમાં રઝળનારા જ છે. પરંતુ સમ્યગ્દ્રષ્ટિ કે સાચા સંત-મુનિ હોય કે જેમને આ દ્રવ્યપ્રતિક્રમણાદિના શુભભાવ આવ્યા વિના રહેતા નથી તે ભાવ પણ તેમને બંધનું કારણ હોવાથી હેય છે. માટે જ્યાં સુધી પૂર્ણ કેવળજ્ઞાનની દશાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી, કહે છે, જ્ઞાનની દશાને ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં જોડી દે. એ બહારનું આલંબન જવા દે, કેમકે એનાથી તો રાગ અને બંધ જ થશે. આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપ છે તેમાં જ્ઞાનને જોડી દે, જ્ઞાન જ્ઞાનમાં (આત્મામાં) સુપ્રતિસ્થિત રહે એ એક જ મોક્ષનું કારણ છે. (દ્રવ્યપ્રતિક્રમણાદિનો બાહ્ય વ્યવહાર કાંઈ મોક્ષનું કારણ નથી).
અહીં નિશ્ચયનયથી પ્રતિક્રમણાદિકને વિષકુંભ કહ્યાં અને અપ્રતિક્રમણાદિકને અમૃતકુંભ કહ્યાં તેથી કોઈ ઉલટું સમજી પ્રતિક્રમણાદિકને છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવાને કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘यत्र प्रतिक्रमणं एव विषं प्रणीतं’ (અરે! ભાઈ,) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, ‘तत्र अप्रतिक्रमणम् एव सुधा कुत्ः स्यात्’ ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? (અર્થાત્ ન જ હોય).
જુઓ, પ્રતિક્રમણને જ એટલે શુભભાવને જ અમે વિષ કહ્યું ત્યાં અપ્રતિક્રમણ અર્થાત્ અશુભભાવ અમૃત ક્યાંથી હોય? જ્યાં વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન ઈત્યાદિ વ્યવહારની શુભક્રિયાઓને ઝેર કહી છે ત્યાં તીવ્ર રાગમાં જવું ને અશુભમાં જવું, અજ્ઞાનમાં જવું-એ અમૃત કેમ હોય? ભાઈ! એ (-અશુભ) તો ઝેર જ ઝેર છે. શુભને છોડી અશુભમાં જવાની તો અહીં વાત જ નથી. અહીં તો શુભને છોડી ઊંચે ઊંચે ચઢવાની-શુદ્ધમાં જવાની વાત છે.
ભાઈ! અમે તને શુભભાવ છોડાવીને, જે વડે જન્મ-મરણનો અંત આવે અને જેમાં આત્મપ્રાપ્તિ થાય એવા વાસ્તવિક ધર્મમાં લઈ જવા માગીએ છીએ. અહા! અંદર ભગવાન આત્મા ચિદ્ઘન પ્રભુ ત્રિકાળ પરમાત્મસ્વરૂપે વિરાજે છે તેમાં લઈ જવા શુભભાવને અમે ઝેર કહ્યું છે. પરંતુ શુભને ઝેર જાણી અશુભમાં જાય એ તો તારી ઊંધી- વિપરીત દ્રષ્ટિ છે. અમે એવા અર્થમાં શુભને હેય ક્યાં કહ્યું છે? અરે! જ્યાં પ્રતિક્રમણને વિષ કહ્યું ત્યાં અપ્રતિક્રમણ (-અશુભ) અમૃત કયાંથી થયું? જ્યાં શુભને જ હેય બતાવ્યું ત્યાં અશુભ ઉપાદેય ક્યાંથી થઈ ગયું? (અજ્ઞાનીના શુભાશુભભાવ બધા અજ્ઞાનમય હોવાથી અપ્રતિક્રમણ છે.)