પ૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? ‘निष्प्रमादः’ નિષ્પ્રમાદી થયા થકા ‘उर्ध्वम् उर्ध्वम् किं न अधिरोहति’ ઊંચે ઊંચે કાં ચઢતા નથી?
આચાર્ય કહે છે-અમે શુભને-મંદ કષાયને ઝેર કહ્યું; તેથી અશુભ-તીવ્ર કષાય તો એની મેળે જ મહા ઝેર સિદ્ધ થયું. આમ છે તો પછી માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કેમ થાય છે? ભાઈ! અહીં તો શુભમાં સંતુષ્ટ હોય તેવા જીવને શુદ્ધ આત્માની સાથે સંબંધ કરાવે છે. કહે છે-અશુભભાવ તો પ્રમાદ છે જ, પણ શુભભાવ પણ પ્રમાદ જ છે. વ્રત, તપ, ભક્તિ, પંચપરમેષ્ઠીનું સ્મરણ ઇત્યાદિ શુભભાવ જે છઠ્ઠે ગુણસ્થાને સાચા સંત-મુનિવરને આવે છે તે પ્રમાદ છે. રાગમાત્ર પ્રમાદ છે; તે છૂટતાં સાતમું (ગુણસ્થાન) થાય છે.
અહા! શુભને અમે હેય કહ્યું તેથી તેને છોડીને અશુભમાં જાય એવું તો બુદ્ધિમાન ન કરે. તો ભગવાન! તું નીચે નીચે ઉતરતો પ્રમાદી કેમ થાય? નિષ્પ્રમાદી થયો થકો ઊંચે ઊંચે કાં ન ચઢે? શુભભાવને છોડીને અંદર જ્યાં સચ્ચિદાનંદ પ્રભુ આત્મા વિરાજે છે તેમાં જા ને; ભગવાન જ્ઞાનાનંદસ્વરૂપે અંદર છે તેના ભેટા કર ને અને તેમાં જ બંધાઈ જા ને!
અહા! શુભને છોડી પ્રમાદી થઈ અશુભમાં તું જા એ તો તારી સ્વચ્છંદતા છે. માટે શુભને છોડી નિષ્પ્રમાદી થઈ સ્વસ્વરૂપના આશ્રયમાં જા અને ત્યાં જ લીન થઈ જા. શુભરાગને હેય બતાવવાનું આ જ પ્રયોજન છે પ્રવચનસાર ગાથા ૧૧ માં શુદ્ધોપયોગ ઉપાદેય ને શુભોપયોગ હેય કહ્યો છે. ભાઈ, છઠ્ઠે ગુણસ્થાને મુનિને જે શુભોપયોગ વર્તે છે તે હેય છે. વળી ત્યાં જ ગાથા ૧ર માં અશુભોપયોગનું અત્યંત હેયપણું પ્રસિદ્ધ કર્યું છે. એથી એ સ્પષ્ટ થયું કે શુભોપયોગને છોડીને શુદ્ધાપયોગમાં જ રહેવું. અહા! રાગરહિત અંદર આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ એકલો જ્ઞાનનો પિંડ છે. તેના આશ્રયે શુદ્ધોપયોગમાં રહેવું એ જ ધર્મ છે. આ સિવાય બીજો (શુભમાં રહેવું તે) ધર્મ છે નહિ. સમજાણું કાંઈ.....?
‘અજ્ઞાન અવસ્થામાં જે અપ્રતિક્રમણાદિક હોય છે તેમની તો વાત જ શી? અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિને જે પ્રતિક્રમણાદિ શુભભાવ હોય છે તેની તો અહીં વાત નથી; કેમકે એ તો અજ્ઞાનમય ભાવ જ છે. જે મિથ્યાદર્શન સહિત છે અને જેને પ્રતિક્રમણાદિ શુભભાવ હોય છે એની અહીં વાત નથી, કેમકે એને તો અશુભ ઊભું જ છે.
‘અહીં તો, શુભપ્રવૃત્તિરૂપ દ્રવ્યપ્રતિક્રમણાદિનો પક્ષ છોડાવવા માટે તેમને (દ્રવ્ય- પ્રતિક્રમણાદિને) તો નિશ્ચયનયની પ્રધાનતાથી વિષકુંભ કહ્યાં છે કારણ કે તેઓ કર્મબંધનાં જ કારણ છે,......’