ગાથા-૧૬] [ ૧૯ જ્યોતિ છે. હવે ‘एककः’ એટલે એકસ્વરૂપ ‘एक एव’ એક જ એમ અર્થ કર્યો છે, ત્રિકાળી વસ્તુ એકરૂપ છે. તે શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય છે. વળી એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. વિષય કરનારી તો પર્યાય છે, પણ તેનો વિષય એકરૂપ છે. ધ્યેય તો ત્રિકાળ વસ્તુ એકરૂપ છે.
હવે કહે છે-‘सर्व भावान्तर ध्वंसि–स्वभावत्वात्’ ‘કારણ કે શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી અન્ય દ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે.’ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી ત્રિકાળી જે જ્ઞાયકસ્વભાવ, તેનાં દ્રષ્ટિ અને જ્ઞાન કરવાથી અન્ય દ્રવ્યના સ્વભાવો-શરીર, મન, વાણી અને અન્યના નિમિત્તથી થતા વિભાવો-પુણ્યપાપના ભાવોને દૂર કરવાનો તેનો સ્વભાવ છે. આ વ્યવહારથી કથન છે. નિશ્ચયથી તો શુદ્ધ ચૈતન્યઘન સ્વભાવનાં પ્રતીતિ, જ્ઞાન અને એકાગ્રતા થતાં વિભાવ ઉત્પન્ન જ થતો નથી એટલે વિભાવનો નાશ કરે છે એમ કહેવામાં આવ્યું છે. ત્રિકાળી જ્ઞાયક એકરૂપ ભાવમાં અન્ય દ્રવ્યોનો અભાવ છે તથા વિભાવનો અભાવ કરવાની તાકાત છે. ભાવાન્તર એટલે જ્ઞાયકભાવથી અન્યભાવો-વિભાવોનો ધ્વંસ કહેતાં નાશ કરવાનો એનો સ્વભાવ છે.
જ્ઞાયકભાવનો વિભાવને ઉત્પન્ન કરવાનો તો સ્વભાવ નથી કારણ કે તેમાં એવો કોઈ ગુણ નથી કે જે વિકાર ઉત્પન્ન કરે. જો વિકાર ઉત્પન્ન કરે એવી કોઈ શક્તિ હોય તો વિકારનો નાશ થઈ સિદ્ધપણું થઈ શકે નહિ. ૩૪ મી ગાથામાં આવે છે કે ‘આત્મા રાગનો નાશ કરનારો છે’ એ પણ યથાર્થ નથી, કથનમાત્ર છે. પરમાર્થે રાગના ત્યાગનું ર્ક્તાપણું આત્માને નથી, પોતે તો જ્ઞાનસ્વભાવ છે. ૩૨૦ મી ગાથામાં પણ આવે છે કે જ્ઞાયકભાવ કર્મોદય, નિર્જરા, બંધ અને મોક્ષને જાણે છે, પણ કરતો નથી. કેમ? ‘अमेचकः’ તે અમેચક છે-શુદ્ધ એકાકાર છે. ત્રિકાળી ચૈતન્યસ્વભાવ રાગ ઉત્પન્ન કરે કે રાગની રક્ષા કરે એવો તેનો સ્વભાવ જ નથી, તેથી અમેચક છે. ભેદદ્રષ્ટિને ગૌણ કરીને અભેદદ્રષ્ટિથી જુએ તો આત્મા એકાકાર-એકરૂપ જ છે, એ જ અમેચક છે, એ જ નિર્મળ છે. એ જ પવિત્ર ભગવાન આત્મા એકરૂપ છે. આવી દ્રષ્ટિ કરે તો સમ્યગ્દર્શન થાય છે.
આત્માને પ્રમાણ-નયથી મેચક, અમેચક કહ્યો, તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું એમ હવે કહે છેઃ-
‘आत्मनः मेचकामेचकत्वयोः’ ‘આ આત્મા મેચક છે-ભેદરૂપ અનેકાકાર છે તથા અમેચક છે-અભેદરૂપ એકાકાર છે.’ શું કહે છે? કે આત્મા અખંડ જ્ઞાયકભાવ એકરૂપ વસ્તુ એ તો નિશ્ચયદ્રષ્ટિ છે અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું પર્યાયમાં નિર્વિકારી પરિણમન થવું એ વ્યવહારનયનો વિષય છે. વ્યવહારરત્નત્રયની (મહાવ્રતાદિ શુભરાગની) વાત અહીં છે જ નહીં. એ પ્રમાણે આત્મા મેચક-અમેચક કહ્યો.