પ૨૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
અહીં કહે છે-પરદ્રવ્ય તરફનો ઝુકાવ છોડી સ્વદ્રવ્યમાં ઝુકતાં અંદર નિર્મળપણે આનંદ ઉછળે છે. પાઠમાં ‘ચૈતન્યામૃતપૂર’ એમ શબ્દો છે ને? એનો અર્થ કર્યો કે ચૈતન્યરૂપી અમૃતનો પ્રવાહ પ્રભુ આત્મા છે. અહાહા...! કેવો છે ભગવાન આત્મા? તો કહે છે-ચૈતન્યરૂપી અમૃતનો પ્રવાહ છે. એમાં વ્યવહારના વિકલ્પો નથી. હું આત્મા આવો છું એવા વિચારનો વિકલ્પ પણ એમાં સમાતો નથી. અહા! દ્રવ્ય, ગુણ ને પર્યાયના વિચાર એ પણ પરવશપણું છે. નિયમસારમાં (પરમ આવશ્યક અધિકારમાં) આવે છે કે- ભગવાન આત્મા આનંદનો સાગર પ્રભુ નિત્ય એકરૂપ વસ્તુ છે. એને ત્રણ પ્રકારથી વિચારવો કે-આ ત્રિકાળી દ્રવ્ય, આ ત્રિકાળી ગુણ ને આ વર્તમાન પર્યાય-એ પરવશપણું છે; એ સ્વવશપણું નથી. અહીં કહે છે-પરવશપણું ત્યાગીને સ્વવશપણે જે સ્વ-સ્વરૂપમાં રમે છે તેને અંદર નિર્મળપણે આનંદ ઉછળે છે.
હવે આ બાજરો આવો ને જુવાર આવી એમ પરની પરખ કરી, પણ પોતે અહાહા...! ચૈતન્યરૂપી અમૃતનો પ્રવાહ-એને પરખ્યો નહિ! પરની પરખમાં દેવના દીકરા જેવું ડહાપણ બતાવે, અમેરિકામાં આમ ને લંડનમાં આમ-એમ મોટી વાતો કરે; પણ અહીં કહે છે-સાંભળ, ભાઈ! એ બધી વિકલ્પની જાળ અપરાધ છે. ગુન્હો છે. અરે! એકને ત્રણપણે (દ્રવ્ય, ગુણ ને પર્યાયપણે) વિચારવો એ પણ અશુદ્ધતા છે, અપરાધ છે, પરવશપણું છે એમાં મનનો સંગ આવ્યો ને? મનનો સંગ થાય ત્યારે ત્રણનો ભેદ પડે છે, માટે એ પરવશપણું છે.
ભાઈ! સમ્યગ્દર્શનનો વિષય અભેદ એક ચિન્માત્ર વસ્તુ છે. અહાહા...! જેના અનુભવમાં ભેદ પડતો નથી એ વસ્તુ એક અસંગ છે. અહા! આવા અસંગના સંગમાં જતાં અંદર નિર્મળપણે ચૈતન્ય ઉછળે છે એમ કહે છે. ભાઈ! આ તો પરમેશ્વર જિનેશ્વરદેવ મહાવિદેહમાં ઇન્દ્રો ને ગણધરોની સમક્ષ જે કહેતા હતા ને કહી રહ્યા છે તે આ વાણી છે. અહો! આ સમયસાર ને પ્રવચનસાર તો ભગવાનની ઓમધ્વનિનો સાર છે.
અહા! પરમાત્મા કહે છે-જેટલું સ્વદ્રવ્ય છોડીને પરદ્રવ્યનું આલંબન લઈશ તેટલો રાગ થશે અને તે રાગ અપરાધ-ગુન્હો છે. અહા! જૈન પરમેશ્વર વીતરાગદેવ એમ ન કહે કે તું મારી ભક્તિ કર ને તારું કલ્યાણ થઈ જશે. ભગવાન તો અતિ જોરથી ઘોષણા કરે છે કે-અમારી ભક્તિ, સ્તુતિ, વંદના ઈત્યાદિનો તને જે ભાવ થાય છે તે બધો અપરાધ છે, અશુદ્ધતા છે. એ કાંઈ મહિમાવાળી ચીજ નથી.
પરમ મહિમાને ધરનારો તો ચૈતન્યરૂપી અમૃતનું પૂર પ્રભુ આત્મા છે. અહા! પાણીના પૂરનો જેમ પ્રવાહ ચાલે તેમ આત્મા ચૈતન્યરૂપી અમૃતનો પ્રવાહ છે. અહાહા!