Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3007 of 4199

 

સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ પ૨૭ જાઉં તો મોક્ષ મલે કે સમ્મેદશિખર જાઉં તો મોક્ષ મલે. પણ ભાઈ! એમ તો તું અનંતવાર ભગવાનની ધર્મસભામાં જઈ આવ્યો. પણ એથી શું? અંર્તદ્રષ્ટિ ને અંતર્લીનતા કર્યા વિના પરદ્રવ્યના લક્ષે તો અશુદ્ધતા જ થાય, બંધન જ થાય.

તો જ્ઞાનીને પણ એવા ભાવ હોય છે ને?
હા, હોય છે, અસ્થિરતાને લીધે હોય છે પણ એનો એને આદર નથી, એને તે હેય

જ જાણે છે, આદરવાલાયક નહિ. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– ત્યારે કોઈ વળી કહે છે-ભગવાનનો મારગ અનેકાન્ત છે. માટે નિશ્ચયથી પણ ધર્મ થાય ને વ્યવહારથી પણ ધર્મ થાય એમ કહો તો?

ઉત્તરઃ– ભાઈ! નિશ્ચયથી પણ ધર્મ થાય ને વ્યવહારથી પણ ધર્મ થાય-એ અનેકાન્ત નથી, એ તો ફુદડીવાદ છે. નિશ્ચયથી ધર્મ થાય ને બીજી રીતે એટલે વ્યવહારથી ન થાય એ અનેકાન્ત છે. અહીં તો આ સ્પષ્ટ કહ્યું કે પરદ્રવ્યના વલણવાળો ભાવ અશુદ્ધતા છે, અપરાધ છે. ભાઈ! વ્યવહાર ક્રિયાકાંડ એ ધર્મ નથી, એ તો રખડવાનો માર્ગ છે. જે પરદ્રવ્યના વલણને છોડીને સ્વદ્રવ્યમાં રમે છે તે અપરાધરહિત અબંધદશાને પ્રાપ્ત થાય છે અને તે સદા શુદ્ધ ચૈતન્યના પ્રકાશથી શોભાયમાન થાય છે. આવી વાત છે.

અહાહા...! આત્મા સ્વયંજ્યોતિ સુખધામ પ્રભુ સ્વસ્વરૂપના પ્રકાશથી શોભાયમાન ચૈતન્યપ્રકાશનું પૂર છે. ‘ચૈતન્ય-અમૃત-પૂર-પૂર્ણ-મહિમા’ એમ કહ્યું છે ને? અહા! આવો મહિમાવંત પદાર્થ પ્રભુ આત્મા છે. અહા! આવો પોતે છે એમ અજ્ઞાનીને કેમ બેસે? પરંતુ ભાઈ! પરમાત્માને પરમ અમૃતદશા-કેવળજ્ઞાનની દશા જે પ્રગટ થઈ એ ક્યાંથી આવી? શું બહારથી આવી? ના; અંદર પોતાની ચીજ જ એવી છે તેમાં એકાગ્ર થતાં દશાવાનની દશા આવી છે. અહા! સંતો કહે છે-ભગવાન! તું એવો છો; સદા અંદર ભગવાનસ્વરૂપ જ છો. અહા! આવા પોતાના સ્વરૂપમાં લીન થતાં, દરિયામાં ભરતી આવે તેમ, એની પર્યાયમાં નિર્મળ ચૈતન્ય ઉછળે છે, આનંદની ભરતી આવે છે. લ્યો, આને ભગવાન ધર્મ કહે છે. સમજાણું કાંઈ...?

અહા! લોકો બિચારા રળવા-કમાવામાંથી ને વિષયભોગમાંથી જ નવરા થતા નથી. નોકરીમાં હોય એ તો પંચાવન, સાઈઠ વર્ષે નિવૃત થાય; પણ આ તો વેપારમાં રસિયા પંચોતેર-પંચોતેર વર્ષે પણ એમાં જ ગળાડૂબ રહે છે. ભાઈ! એ એકલો પાપનો વેપાર છે હોં. પૈસા તો પૈસામાં રહેશે ને તારે પલ્લે તો પાપ જ આવશે ને ફળશે. અરે! આવી સત્ય વાત સમજવા નવરાશ ન લે એ સત્યની રુચિ કરે ક્યારે? ને ક્યારે એ પાપથી ને સંસારના દુઃખોથી છૂટે?