પ૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ઉંડપ પાર ન પમાય તેવી અમાપ છે. જેમ સમુદ્ર અતિ ઉંડો ગંભીર છે તેમ ભગવાનનું પવિત્ર જ્ઞાન અતિ ઊંડું અમાપ ગંભીર છે.
વળી તે ધીર એટલે કે શાશ્વત છે. કેવળજ્ઞાન પ્રગટ થયું તે હવે શાશ્વત રહેવાનું છે, અચળ રહેવાનું છે, પડવાનું નથી. ચાર ગતિમાં, સંસારમાં જેમ પલટના થાય, હીનાધિકતા થાય તેમ હવે થશે નહિ એવું તે ધીરું-અચળ-શાશ્વત છે. અહાહા...! આવું નિજરસની અતિશયતાથી અત્યંત ગંભીર અને ધીર-એવું જ્ઞાન ‘ ज्वलितम्’ જળહળી ઉઠયું, પ્રગટ પ્રકાશમાન થયું.
જેમ દિવાસળીમાં શક્તિરૂપે અગ્નિ છે તે ઘસતાં ભડકારૂપે પ્રગટ થાય છે. તેમ આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ત્રિકાળ શક્તિરૂપે વિદ્યમાન છે. એને અંતર-એકાગ્રતા વડે ઘસતાં અર્થાત્ અંતર-અનુભવ કરતાં જળહળ જ્યોતિરૂપે પર્યાયમાં પ્રગટ થયાં. શું કીધું? સ્વરૂપમાં એકાગ્ર થઈ લીન રહેતાં આત્મદ્રવ્ય કેવળજ્ઞાન આદિ વડે જળહળી ઉઠયું. જેવું અંદર ચૈતન્યનું સામર્થ્ય હતું તેવું પર્યાયમાં પ્રગટ થયું.
ભાઈ! આ કેવળજ્ઞાન ને કેવળદર્શન કાંઈ બહારથી આવે છે એમ નથી. પણ અંદર ભગવાન આત્મામાં શક્તિપણે વિદ્યમાન છે તે અંતર એકાગ્રતાના અભ્યાસથી સ્વરૂપ લીનતા કરતાં પર્યાયમાં જળહળી ઉઠે છે, જાજ્વલ્યમાન પ્રગટ થાય છે.
હવે કહે છે-આ જે જ્ઞાન (કેવળજ્ઞાન) જાજ્વલ્યમાન પ્રગટ થયું તે ‘स्वस्य अचले महिम्नि लीनं’ પોતાના અચળ મહિમામાં લીન થયું.
જોયું? અનાદિથી જ્ઞાન પુણ્ય ને પાપમાં, શુભ ને અશુભમાં, જ્ઞેયમાં લીન હતું. પરંતુ અંતર-એકાગ્રતાના અભ્યાસ વડે ને કેવળજ્ઞાન જાજ્વલ્યમાન પ્રગટ થયું તે સ્વરૂપમાં જ લીન-ડૂબેલું છે; નિજાનંદરસલીન છે, જ્ઞાન અવિચળ જ્ઞાનમાં લીન છે, જ્ઞેય પ્રતિ લીન નથી. અહાહા...! આવી કેવળજ્ઞાન દશા! એની પ્રાપ્તિનો ઉપાય નિજ આત્મદ્રવ્યમાં એકાગ્રતા ને લીનતા કરવી તે જ છે. સમજાણું કાંઈ...?
અત્યારે કેટલાક કહે છે કે-સર્વજ્ઞે જે પ્રમાણે જ્ઞાનમાં જોયું છે તે પ્રમાણે થશે, માટે આપણે કાંઈ કરવાનું રહેતું નથી. તેને કહીએ છીએ-ભાઈ! સાંભળ. કેવળજ્ઞાનની સત્તાનો-હોવાપણાનો જેણે સ્વીકાર કર્યો છે એની દ્રષ્ટિ કેવળજ્ઞાનસ્વભાવી જે સ્વદ્રવ્ય તેના ઉપર ગઈ છે. અને તે જ કરવાયોગ્ય (પુરુષાર્થ) એણે કર્યું છે. પ્રવચનસારમાં (ગાથા ૮૦માં) આવે છે કે-અરિહંતના દ્રવ્ય, ગુણ, પર્યાયને જે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનોે મોહ નાશ પામી જાય છે.
‘કર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું, પોતાની સ્વભાવિક અવસ્થારૂપ, અત્યંત