ગાથા-૧૬] [ ૨૧ છે.” આગળ પાછું ગાથા ૧૪૩ ની જેમ કળશટીકામાં લીધું કે-“એક પક્ષથી વિચારતાં આત્મા અનેકરૂપ છે, બીજા પક્ષથી વિચારતાં આત્મા અભેદરૂપ છે-આમ વિચારતાં થકાં તો સ્વરૂપ અનુભવ નથી.” એટલે હવે અહીં કહે છે કે આત્મા મેચક છે, અમેચક છે એવી ‘चिंतया एव अलम्’ ચિંતાથી બસ થાઓ. બનારસીદાસકૃત સમયસાર નાટકમાં આ ૧૯ મા કળશના હિંદીમાં “એક દેખિયે જાનિયે......” છંદમાં આ વાત ગઈ કાલે ૧૮ મા કળશના પ્રવચનમાં આવી ગઈ છે. આ દ્રવ્યસ્વભાવ અને આ પર્યાયસ્વભાવ, આ અમેચક અને આ મેચક, આ શુદ્ધ અને આ અશુદ્ધ, આ અભેદ અને આ ભેદરૂપ એવા વિકલ્પો કરવા છોડી દે. આવા વિકલ્પમાં રહેવાથી કાંઈ આત્મજ્ઞાન નહીં થાય, અનુભવ નહીં થાય. અનુભવમાં એ વિકલ્પને કાંઈ અવકાશ નથી. માટે એવી ચિંતાથી બસ થાઓ.
હવે કહે છે કે ‘साध्य–सिद्धिः’ સાધ્ય નામ મોક્ષની પર્યાયને સાધવી, તેની સિદ્ધિ તો ‘दर्शनज्ञानचारित्रैः’ દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે. આ તો ત્રણ ભેદથી સમજાવ્યું છે. બાકી આશ્રય તો એકનો જ કરવાનો છે. ત્રણનું સેવન એમ નથી, સેવન તો એક આત્માનું જ છે. પાઠમાં (૧૬ મી ગાથામાં) તો એમ છે કે “ दंसणणाणचरित्ताणि सेविदव्वाणि” એટલે પર્યાયની સેવા કરવી. એ તો વ્યવહારી લોકો પર્યાયના ભેદથી સમજે છે તેથી અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. સેવના ત્રણની નથી, સેવના એકની (અખંડ એકરૂપ જ્ઞાયકની) છે. અહાહા! આવો માર્ગ! સમજાય છે કાંઈ? દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણથી જ સિદ્ધિ છે. જોયું? ત્રણ ભાવ કહ્યા ને? બીજી રીતે નથી. એમાં અનેરા દ્રવ્યોને સહારો નથી, એક સ્વદ્રવ્યનો જ સહારો છે. એમાં ત્રણ ભેદ પડયા, પણ પરદ્રવ્યનો કોઈ સહારો નથી. દેવ-શાસ્ત્ર-ગુરુની મદદ કે ભક્તિનો વિકલ્પ એ સહારો મોક્ષમાર્ગમાં છે જ નહિ. આવો અર્થ, ભારે કઠણ પડે માણસને, પણ શું થાય? ‘न च अन्यथा’ આ અનેકાન્ત કર્યું. આનાથી થાય અને આનાથી પણ થાય એમ અનેકાન્ત નથી. પણ વસ્તુસ્વરૂપ જે છે તેની સેવના કરતાં એ ત્રણ પર્યાય ઉત્પન્ન થાય છે. એને ભેદથી સમજાવ્યું કે ત્રણની સેવા કરવી, એનાથી સિદ્ધિ છે, બીજી રીતે સિદ્ધિ નથી. અને એનો સરવાળો તો એ જ છે કે એકાકાર આત્માની સેવા કરવી.
૧૬, ૧૭, ૧૮ આ ત્રણ કળશો બહુ ઊંચા હતા. કાલે ઘણી વાત આવી ગઈ હતી. હવે આજે અહીં ભાવાર્થમાં કહે છે કે ‘આ આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે.’ સાધ્ય છે, ધ્યેય નહીં. ધ્યેય તો ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ છે. અહીં પ્રગટ કરવાની અપેક્ષાએ કેવળજ્ઞાનની મોક્ષપર્યાયને સાધ્ય કહી. સાક્ષાત્ પ્રાપ્તિ એટલે આત્માની ઉપલબ્ધિ. જેવા સ્વભાવે આત્મા છે તેવા (પરિપૂર્ણ) સ્વભાવની પર્યાયમાં પ્રાપ્તિ તે આત્મોપલબ્ધિ છે, એ મોક્ષ છે, સાધ્ય છે.