૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
આત્મા મેચક છે કે અમેચક છે-એટલે કે ત્રણ પર્યાયરૂપે પરિણમેલો છે કે એકરૂપ છે એવા વિચારો જ કર્યા કરવાથી સાધ્ય સિદ્ધ થતું નથી. આત્મા પર્યાયમાં ત્રણ પ્રકારે પરિણમેલો છે એવા ભેદરૂપ વિચારો અનેકાકારપણું છે, અશુદ્ધપણું છે. અને ત્રિકાળી વસ્તુ અભેદ છે, એકસ્વભાવી છે, અમેચક છે, નિર્મળ-શુદ્ધ છે એવો વિચાર પણ ભેદવિકલ્પ છે. તેથી એવા વિચારમાત્ર કર્યા કરવાથી સાધ્ય સિદ્ધ થતું નથી. એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ અર્થાત્ જેવો આત્મા છે તેવી પર્યાયમાં ઉપલબ્ધિ-પ્રાપ્તિ આવા વિચારોથી થતી નથી. પરંતુ દર્શન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું અવલોકન અને પ્રતીતિ (બન્ને ભાવ), જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું, અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા-તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે.
દર્શન એટલે ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું અવલોકન. એમાં શ્રદ્ધા અને દેખવું બન્ને ભાવ આવ્યા. જ્ઞાન એટલે શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું. એમાં સ્વસંવેદનજ્ઞાનની વાત છે. સ્વ કહેતાં પોતાથી, સમ્ નામ પ્રત્યક્ષ વેદન. સ્વસંવેદન એટલે પોતાથી પોતાને પ્રત્યક્ષ વેદવું. એનું જ નામ સમ્યગ્જ્ઞાન છે. શાસ્ત્રજ્ઞાન અને બીજા (બાહ્ય) જ્ઞાનની અહીં વાત નથી. વ્યવહારજ્ઞાન, શાસ્ત્રનું વિકલ્પવાળું બહારનું જ્ઞાન એ કાંઈ સમ્યગ્જ્ઞાન નથી. ફક્ત ભગવાન આત્મા શુદ્ધ એકસ્વભાવી છે તેનું પર્યાયમાં સ્વસંવેદન એનું નામ સમ્યગ્જ્ઞાન છે. અને ચારિત્ર? કહ્યું છે ને કે “એક દેખિયે જાનિયે રમિ રહિયે ઇક ઠૌર”-ઠૌર એટલે સ્થાન. જે વસ્તુ અખંડ અભેદ છે એને દેખવી, જાણવી અને એમાં જ વિશ્રામ લેવો. અહાહા! શુદ્ધ સ્વભાવમાં ધ્રુવ, ધ્રુવ ધામમાં સ્થિરતા-વિશ્રામ-વિશ્રામ-વિશ્રામ તે ચારિત્ર છે. તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. જુઓ ‘જ’ શબ્દ લીધો છે. આનાથી થાય અને વ્યવહારથી પણ થાય એમ અહીં ના લીધું. એકાન્ત કહ્યું કે તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે.
હવે કહે છે કે-આ જ મોક્ષમાર્ગ છે. ત્રિકાળી ભગવાન એકરૂપસ્વભાવનાં દ્રષ્ટિ, જ્ઞાન અને એમાં રમણતા તે એક જ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ બે નથી. પંડિત શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, મોક્ષમાર્ગ બે પ્રકારે નથી. જે સ્વના આશ્રયે થાય તે એક જ મોક્ષમાર્ગ છે. અત્યારના કોઈ પંડિત કહે છે કે બે મોક્ષમાર્ગ ન માને એ ભ્રમમાં છે. પૂર્વના પંડિત ટોડરમલજી કહે છે કે બે મોક્ષમાર્ગ માને એ ભ્રમમાં છે. વળી હાલના કોઈ પંડિત એમ કહે છે કે-“વ્યવહારથી ન થાય એમ ન કહેવું, એમ કહેતાં નિશ્ચયાભાસ થઈ જાય છે.” અહીં કહે છે કે ત્રિકાળી એકરૂપ આત્માની સેવા કરતાં પર્યાયમાં ત્રણ પ્રકાર પડે તેને વ્યવહાર કહે છે. પ્રવચનસાર, જ્ઞેય અધિકાર, ગાથા ૯૪ ની ટીકામાં કહ્યું છે કે-જે ત્રિકાળી ભગવાન આત્માની શ્રદ્ધા-જ્ઞાન- ચારિત્રની વીતરાગી પર્યાય એને આત્મવ્યવહાર કહીએ અને રાગાદિનો વ્યવહાર એ મનુષ્યવ્યવહાર છે. દયા, દાન, વ્રત અને ભક્તિનો વિકલ્પ એ મનુષ્યનો માનસિક વ્યવહાર છે, એનાથી સંસાર થશે. સમજાય છે કાંઈ?