સમયસાર ગાથા ૩૦૮ થી ૩૧૧] [૧૭ અજીવ તન્મય છે એમ નથી. અહા! તે તે પરિણામ અજીવના છે વા તે અજીવથી નીપજ્યા છે એમ નથી. જીવના પરિણામ જીવ જ છે એમ અહીં વાત છે.
પ્રશ્નઃ– હા, પણ એક બાજુ આપ કહો છો કે જીવ પર્યાયને કરે નહિ અને વળી અહીં કહો છો-જીવના પરિણામ જીવ જ છે-આ કેવી રીતે છે?
સમાધાનઃ– હા; સમયસાર ગાથા ૩૨૦ માં એમ આવે છે કે પર્યાયનો કર્તા જીવ નથી. પર્યાય પોતાના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એવા ષટ્કારકના પરિણમનથી સ્વયં સ્વતઃ સહજપણે સ્વકાળે ઉપજે છે. ત્યાં દ્રવ્યથી પર્યાયને ભિન્ન બતાવી દ્રવ્યદ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. ત્રિકાળી દ્રવ્યસ્વભાવ સિદ્ધ કરવો છે ને! તો કહ્યું કે દ્રવ્ય પર્યાયનું કર્તા નથી, દ્રવ્ય પર્યાયનું દાતા નથી; આવો અક્રિય એકરૂપ દ્રવ્યસ્વભાવ છે.
જ્યારે અહીં પરદ્રવ્ય પર્યાયનું કર્તા નથી, દાતા નથી એમ સિદ્ધ કરવું છે. તો દ્રવ્ય-પર્યાયને અભેદ કરીને વાત કરી છે કે જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. અહાહા....! જે કાળે ક્રમબદ્ધ જે પર્યાય થઈ તે જીવ છે એમ અહીં કેમ કહ્યું? કેમકે તે પર્યાયમાં તે કાળે જીવ તન્મય છે, પણ અજીવ તન્મય નથી. તે પર્યાય પરથી કે અજીવથી થઈ છે એમ નથી. ભાઈ! આ વિકારના પરિણામ જે થાય છે તે કર્મથી થાય છે એમ નથી; તથા સમ્યગ્દર્શનની પર્યાય થઈ તે દર્શનમોહનો અભાવ થયો માટે થઈ છે એમ નથી. તે કાળે જીવની તે તે પર્યાય જીવસ્વરૂપ છે. લ્યો, આવી વસ્તુસ્થિતિ છે. ભાઈ! જ્યાં જે અપેક્ષાથી વાત હોય તેને તે રીતે યથાર્થ સમજવી જોઈએ.
અત્યારે તો આ વિષયમાં કેટલાકે ગડબડ ઊભી કરી છે. તેઓ કહે છે-જો ક્રમબદ્ધ માનો તો બધું નિયત થઈ જાય છે અને તો આત્માને કાંઈ પુરુષાર્થ કરવાનો રહેતો નથી.
ભાઈ! વસ્તુ-વ્યવસ્થા તો નિયત અને સ્વાધીન જ છે. એમાં ફેરફાર કરવાની તું ચેષ્ટા કરે એને તું શું પુરુષાર્થ કહે છે? બાપુ! એ પુરુષાર્થ નથી પણ તારા મિથ્યા (- વાંઝણા) વિકલ્પ છે. વાસ્તવમાં તો દ્રવ્યની પર્યાય તેના કાળે, પરના કર્તાપણા વિના સ્વતંત્ર-સ્વાધીનપણે પોતાથી ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે એમ જેણે યથાર્થ માન્યું તે પુરુષાર્થી છે, કેમકે એમ માનનાર પરથી હઠીને સ્વાભિમુખ થાય છે અને સ્વાભિમુખ થવું ને રહેવું એ જ સમ્યક્ પુરુષાર્થ છે.
તો બે કારણથી કાર્ય થાય છે એમ તત્ત્વાર્થરાજવાર્તિક આદિ સિદ્ધાંત-ગ્રંથોમાં આવે છે ને?