૨૨] [પ્રવચન રત્નાકર ભાગ-૯ વા બીજી કોઈ ચીજ કરે એ વસ્તુસ્વરૂપ નથી. કોઈ હોશિયાર માણસ હોય ને તે નામું લખે તો મોતીના દાણા જેવા અક્ષરો લખે. અહીં કહે છે-તે અક્ષરો જે લખાયા તે અજીવ- પરમાણુઓની અવસ્થા તે તે પરમાણુઓથી થઈ છે, જીવથી તે અક્ષરોની અવસ્થા થઈ નથી; તથા કલમથીય તે થઈ નથી. આવી વાત છે.
જુઓ, પરમાણુનો સ્કંધ હોય છે તેમાં બે-ગુણ ચીકાશવાળો પરમાણુ, ચારગુણ ચીકાશવાળા પરમાણુ સાથે સ્કંધમાં ભળે ત્યારે તે પરમાણુ ચારગુણ ચીકાશવાળો થઈ જાય છે. તે ચારગુણ ચીકાશવાળી પર્યાય તે પરમાણુમાં તે કાળે પોતાથી થવાની હતી તે થઈ છે, તેનો કર્તા બીજો પરમાણુ નથી. ચારગુણ ચીકાશવાળા પરમાણુ સાથે તે ભળ્યો માટે તેની ચારગુણ ચીકાશવાળી પર્યાય થઈ છે એમ નથી. એક પરમાણુમાં બે ગુણ સ્પર્શની પર્યાય હોય અને બીજા પરમાણુમાં ચારગુણ સ્પર્શની પર્યાય હોય. તે બન્ને ભેગા થાય ત્યાં બે ગુણવાળો પરમાણુ ચારગુણવાળી પર્યાયરૂપે પરિણમી જાય છે; પણ તે પર્યાય પોતાથી થઈ છે. બે ગુણ, ત્રણ ગુણ, અસંખ્ય ગુણ, અનંતગુણરૂપ સ્પર્શ, રસ, ગંધ, વર્ણની પર્યાય જે સમયે જે થવાની હોય તે પોતાથી થાય છે; બીજા પરમાણુને લીધે તે પર્યાય થતી નથી; બીજા પરમાણુની ત્યાં કોઈ અસર કે પ્રભાવ પડે છે એમ નથી. ભાઈ! સમયસમયની પર્યાય જે જે થવાની હોય તે તે કાળે તે જ થાય છે, એમાં બીજાની અપેક્ષા નથી, જરૂર નથી. અહો! આવું પર્યાયનું તત્ત્વ નિરપેક્ષ છે! દ્રવ્ય અને ગુણની તો શું વાત? ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તો પર્યાય વિનાનું પરમ નિરપેક્ષ તત્ત્વ છે. અહા! આવા પરમ નિરપેક્ષ તત્ત્વ ઉપર આની દ્રષ્ટિ જાય તે આ સમજવાનું તાત્પર્ય અને ફળ છે. ક્રમબદ્ધને સમજવાનું તાત્પર્ય આ છે બાપુ!
ત્યારે કોઈ વળી એમ પણ કહે છે કે-ક્રમબદ્ધ જે થવાનું હશે તે થશે, માટે આપણે હાથ જોડીને બેસી રહીએ.
પણ ભાઈ! હાથ જોડે કોણ અને બેસી રહે કોણ? બાપુ! એ તો બધી શરીરની અવસ્થાઓ પોતપોતાના કારણે પોતાના કાળે થાય છે. તેનો તું કર્તા થવા જા’છ એ તો તારી મિથ્યાબુદ્ધિ છે. અને તે તે વિકલ્પનો કર્તા થાય એ પણ મિથ્યાભાવ, અજ્ઞાનભાવ છે.
અહીં તો આ સિદ્ધાંત છે કે પરમાણુ આદિ અજીવની પર્યાય અજીવથી જ થાય છે, જીવથી નહિ અને બીજી ચીજથીય નહિ. આ ચોખા પાણીમાં ચડે છે ને? તે ઉના-ઉકળતા પાણીથી ચડે છે એમ કોઈ કહેતું હોય તો અહીં કહે છે એ બરાબર નથી. ચોખા, જ્યારે તેનો ચડવાનો કાળ છે ત્યારે સ્વયં તે-રૂપે ક્રમબદ્ધ પરિણમી જાય છે. ચોખા ચડે ત્યારે પાણી હો ભલે; પાણી નથી એમ વાત નથી, પણ પાણી