Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3042 of 4199

 

સમયસાર ગાથા ૩૦૯ થી ૩૧૧] [૨૩ તેની પોતાની સત્તામાં રહ્યું છે. ચોખાની પર્યાયની સત્તામાં પાણીની પર્યાયની સત્તા જતી નથી. માટે, પાણીના કર્તાપણા વિના જ, ચોખા પોતાની પર્યાયની યોગ્યતાથી તે કાળે ચડી જાય છે. પોતાની પર્યાયોના ક્રમમાં નિયત સમયે તે ચોખાની ચડવાની પર્યાય ઉત્પન્ન થાય છે, બીજો તેનો કર્તા નથી-પાણીય નહિ અને કોઈ બાઈ પણ નહિ. લ્યો, આવી વાત છે!

આ તો વીતરાગનો મારગ બાપા! આ તો જ્ઞાતા-દ્રષ્ટા થવાની રીત પ્રભુ! કહે છે-જીવ દ્રવ્યનું અજીવ કાંઈ ન કરે, અને અજીવ દ્રવ્યનું જીવ દ્રવ્ય કાંઈ ન કરે. અહાહા...! છએ દ્રવ્ય ક્રમબદ્ધ એવા પોત-પોતાના પરિણામોથી ઉપજે છે. પ્રત્યેક દ્રવ્યમાં જે સમયે જે પર્યાય થવાની હોય તે તે સમયે થાય છે. અને તે એની કાળલબ્ધિ છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં છએ દ્રવ્યની પ્રતિસમય થતી પર્યાયને કાળલબ્ધિ કહેલ છે. જે સમયે જે દ્રવ્યમાં જે પર્યાય થાય તે તેની કાળલબ્ધિ છે.

જુઓ, પાણીમાં લીલો રંગ નાખીએ તો લીલી પર્યાય થાય, પીળો રંગ નાખીએ તો પીળી પર્યાય થાય અને કાળો રંગ નાખીએ તો કાળી પર્યાય થાય ત્યાં પાણીની તે તે પર્યાય જે થવાની હોય તે પાણીથી ક્રમબદ્ધ થાય છે; તે પર્યાય બીજા પદાર્થથી (રંગથી) થાય છે એમ નથી.

આપ કહો છો-પાણી અગ્નિથી ઉનું થતું નથી; પરંતુ વિના અગ્નિ પાણી ઉનું થાય નહિ એમ પ્રત્યક્ષ દેખાય છે ને?

સમાધાનઃ– અરે ભાઈ! તું સંયોગથી જુએ છે; વસ્તુના સહજ પરિણમન- સ્વભાવની દ્રષ્ટિથી જુએ તો જણાય કે પાણી જ પોતે ક્રમબદ્ધ ઉપજતું થકું ઉષ્ણપર્યાયરૂપે થાય છે, તેમાં અગ્નિનું કાંઈ કાર્ય નથી. ભાઈ! પાણીમાં ઉનું થવાની અવસ્થાનો તે કાળ છે તેથી ઉનું થયું છે. તે કાળે અગ્નિ છે ખરી, પણ અગ્નિ પોતાની સત્તા છોડી પાણીમાં ક્ય ાં પ્રવેશે છે? એક સત્તા બીજી સત્તામાં જાય એ વસ્તુસ્વરૂપ જ નથી. ભાઈ! એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે અને એક પરમાણુની પર્યાયનો બીજા પરમાણુની પર્યાયમાં અન્યોન્ય અભાવ છે. આ વસ્તુસ્વરૂપ છે.

ચાર પ્રકારના અભાવ છે ને? ૧. અત્યંત અભાવ ૨. અન્યોન્ય અભાવ ૩. પ્રાગ અભાવ ૪. પ્રધ્વંસાભાવ એમાં અગ્નિ અને પાણી વચ્ચે અન્યોન્ય અભાવ છે. તેઓ પરસ્પર પ્રવેશતાં નથી. ભાઈ! આ વાત સમજવા ખૂબ ધીરજ કેળવવી જોઈએ.