Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3043 of 4199

 

૨૪] [પ્રવચન રત્નાકર ભાગ-૯

જુઓ, શાસ્ત્રમાં આવે છે કે- ભગવાનની દિવ્યધ્વનિ ગર્જે છે તે બાર બાર જોજનમાં સંભળાય છે. મનુષ્ય, દેવ અને તિર્યંચ-એમ ત્રણ પ્રકારના જીવો આ ૐધ્વનિ સાંભળવા સમોસરણમાં આવે છે. નારકી જીવો આવી શકતા નથી. તે ભગવાનની વાણી અનક્ષરી હોય છે અને સૌ પોતપોતાની ભાષામાં સમજે છે. અહાહા...! સભામાં બેઠેલાં તિર્યંચ પણ પોતાની ભાષામાં સમજી જાય કે ભગવાન આમ કહે છે. અહા! આ ૐધ્વનિ પણ, અહીં કહે છે, તે કાળે તે-રૂપે થવાયોગ્ય ભાષાવર્ગણાનું ક્રમબદ્ધ પરિણમન છે. ભાષાવર્ગણાનો ૐધ્વનિરૂપે તે કાળે પરિણમવાનો કાળ હતો તો તે ૐધ્વનિરૂપે થાય છે, ભગવાન તેના કર્તા છે વા ભગવાનના કારણે તે વાણી નીકળે છે એમ નથી. જુઓ, અહીં શું કહે છે? કે અજીવ પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી. ભાઈ! આ તો સિદ્ધાંત છે કે અજીવ પદાર્થ ક્રમે પોતાની અવસ્થાપણે થાય- ઉપજે તેમાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. કોઈ બીજી ચીજની અસરપ્રભાવથી તે પદાર્થના પરિણામ થાય છે એમ ત્રણકાળમાં નથી.

અરે! અજ્ઞાની જીવ તો જ્યાં હોય ત્યાં ‘આ મેં કર્યું, મેં કર્યું’ -એમ પરના કર્તાપણાનું મિથ્યા અભિમાન કરે છે. એક પદમાં કહ્યું છે ને કે-

“હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.” કુતરું ગાડા નીચે ચાલતું હોય અને ઠાઠું ઉપર અડતું હોય એટલે કુતરું માને કે ગાડું હું ચલાવું છું. તેમ અજ્ઞાની જીવ દુકાનના થડે બેઠો હોય અને માલની લે-વેચ થાય અને પૈસાની લેતી-દેતી થાય ત્યાં એ જડમાં થતી ક્રિયા હું કરું છું, એ બધી જડની અવસ્થાઓનો કારોબાર હું ચલાવું છું એમ તે માને છે. પણ એ બધો એનો દુઃખદાયક ભ્રમ છે, કેમકે જડની ક્રિયામાં ચેતનનો પ્રવેશ જ નથી.

કોઈ ડોકટર દર્દીને ઈન્જેકશન આપે અને એને રોગ મટી જાય. ત્યાં તે એમ માને કે મેં એના રોગને મટાડયો તો એ તેનો ભ્રમ છે; કેમકે રોગની અને નિરોગની અવસ્થાએ તો શરીરના પરમાણુ સ્વયં ક્રમબદ્ધ ઉપજ્યા છે, ડોકટર તો શરીરને અડતોય નથી તે શરીરનું શું કરે? વાસ્તવમાં તો ડોકટર ઇન્જેકશન દેય નહિ અને શરીરનો રોગ મટાડેય નહિ. એ તો બધી જડની અવસ્થાઓ જડથી તે તે કાળે પ્રગટ થાય છે. આવું જ વસ્તુસ્વરૂપ છે.

પ્રવચનસારની ૧૬૦ મી ગાથામાં કહ્યું છે કે-હું શરીર, મન, વાણી નથી; હું શરીર, મન, વાણીનું કારણ નથી. તેમનો કર્તા નથી. કારયિતા નથી તથા કર્તાનો અનુમોદક પણ નથી. અહાહા....! શરીર-મન-વાણીની જે જે ક્રિયાઓ -અવસ્થાઓ થાય તે મારા (-જીવના) કારણે થાય એમ છે નહિ. અહા! તે તે જડની અવસ્થાઓનો