૨૬] [પ્રવચન રત્નાકર ભાગ-૯ અભાવ છે. કોઈ દ્રવ્યનું ઉત્પાદક એટલે કારણ કોઈ બીજું દ્રવ્ય છે એમ છે નહિ. અર્થાત્ એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કાર્યકારણભાવ છે એમ સિદ્ધ થતું નથી.
પ્રશ્નઃ– એક ગાયનો ગોવાળ તે પાંચ ગાયોનો ગોવાળ, તેમ જીવ તે તે સમયે પોતાના પરિણામરૂપ પોતાનું કાર્ય કરે પણ સાથે સાથે બીજાનું પણ કરે કે નહિ? પરની દયા પાળે, પરની મદદ કરે, પૈસા-ધન કમાય ઇત્યાદિ કાર્ય તે કરે કે નહિ? કરે તો એમાં શું હરકત છે?
સમાધાનઃ– ભાઈ! કેટલાક અજ્ઞાની જીવો આવું માને છે પણ તે બરાબર નથી; કેમકે જેમ પોતાના પરિણામરૂપ પોતાના કાર્યમાં તેને તાદાત્મ્ય છે તેમ પરદ્રવ્યના પરિણામમાં તેને તાદાત્મ્ય નથી. પરદ્રવ્યના પરિણામ સાથે તાદાત્મ્ય વિના તે પરદ્રવ્યના પરિણામને કેવી રીતે કરે? તેથી તો અહીં કહ્યું કે સર્વદ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય- ઉત્પાદકભાવનો અભાવ છે. આવી વાત છે ભાઈ!
અહાહા....! ભગવાન આત્મા અનંતગુણનું ધામ પ્રભુ અનાદિ-અનંત ધ્રુવ ચૈતન્યતત્ત્વ છે. ભગવાન સર્વજ્ઞદેવે જોયો ને કહ્યો એવો આ જીવ પદાર્થ પ્રતિસમય ક્રમે થતા પોતાના પરિણામસ્વરૂપે ઉપજે છે. અહીં કહે છે-પોતાના પરિણામોથી ઉપજતા જીવને અજીવની સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી. આ જડ શરીર, મન, વાણીનું કાર્ય થાય તેને જીવ કરે અને તેનું જીવ કારણ થાય એમ, કહે છે, સિદ્ધ થતું નથી. આ હાથ હલે, હોઠ હલે, વાણી બોલાય, આંખની પાંપણ ઊંચી થાય ઇત્યાદિ જડનું કાર્ય થાય તે જડથી એનાથી થાય, તેને આત્મા કરે એમ સિદ્ધ થતું નથી. કેમ? કારણ કે સર્વદ્રવ્યોને અન્યદ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે. ભાઈ! આ પ્રત્યેક દ્રવ્યની-રજકણે-રજકણ અને જીવ-જીવની વાત છે. હવે જૈનમાં જન્મ્યા એનેય ખબર ન મળે કે જૈન પરમેશ્વર શું કહે છે? એમ ને એમ આંધળે-બહેરું કૂટે રાખે, પણ એનું ફળ બહુ આકરું આવશે ભાઈ!
જુઓ, નિગોદમાં અનંત જીવ છે. આ લસણ ને ડુંગળીની એક કણી લો એમાં અસંખ્ય ઔદારિક શરીર છે. તે દરેક શરીરમાં અનંત નિગોદના જીવ છે. તે દરેક જીવ પોતાના પરિણામપણે ઉપજતો હોવા છતાં તેને બીજા જીવના કે બીજા દ્રવ્યના પરિણામ સાથે કાર્યકારણભાવ સિદ્ધ થતો નથી. પોતાના પરિણામને ઉપજાવતો તે જીવ બીજા જીવના પરિણામને ઉપજાવે એમ બનતું નથી. કારણ કે સર્વ દ્રવ્યોને અન્ય દ્રવ્ય સાથે ઉત્પાદ્ય-ઉત્પાદકભાવનો અભાવ છે.
ઉત્પાદ્ય એટલે કાર્ય, અને ઉત્પાદક એટલે કારણ. બીજું દ્રવ્ય આત્માનું ઉત્પાદ્ય અર્થાત્ કાર્ય ને આત્મા તેનું ઉત્પાદક અર્થાત્