૪૨] [પ્રવચન રત્નાકર ભાગ-૯ એને ભાન નથી કે આ સુગંધ ક્યાંથી આવે છે; તેથી તે બહાર દોટ મૂકે છે. તેમ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એકલા જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભર્યો પડયો છે. સ્વ-પરને જાણવાનો એનો સ્વભાવ છે. આવા પોતાના સ્વરૂપનું ભાન કર્યા વિના, અજ્ઞાનમય ભાવના કારણે એને રાગ અને જડકર્મના બંધની પરંપરા ચાલી આવે છે. અરે! આવું (દુર્લભ) મનુષ્યપણું મળવા છતાં પોતાના સ્વરૂપની ખબર ન કરે તો ‘મનુષ્યરુપેણ મૃગાશ્ચરન્તિ’ -એ ઉક્તિ અનુસાર તે મનુષ્યના દેહમાં મૃગ જ (પશુ જ) છે; અજ્ઞાનભાવના કારણે તેને રાગ અને કર્મના સંબંધરૂપ બંધ થાય છે. આ પ્રમાણે ભાવબંધ અને દ્રવ્યબંધ બન્ને તેને થાય છે, અને તે ચારગતિમાં રઝળી મરે છે. આવી વાત છે ભાઈ!
કહે છે-આવો અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સ્ફુરાયમાન છે. અહા! પોતે જાણવા- દેખવાના સ્વભાવવાળી ત્રિકાળ વિદ્યમાન વસ્તુ છે તોપણ તેને જાણતો નથી અને રાગને, પર્યાયને, એક અંશને પોતાપણે જાણે છે તે અજ્ઞાન છે. તે અજ્ઞાન વડે એને નવો બંધ થયા કરે છે. આવો અજ્ઞાનનો મહિમા ગહન છે.
‘જેનું જ્ઞાન સર્વ જ્ઞેયોમાં વ્યાપનારું છે એવો આ જીવ શુદ્ધનયથી પરદ્રવ્યનો કર્તા નથી, તોપણ તેને કર્મનો બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે-જેનો પાર પમાતો નથી.’
આત્મા જ્ઞાનસ્વરૂપ છે. જાણવું એ એનો સ્વભાવ છે. જ્ઞાન એટલે આ દાકતરી ને વકીલાતનું જ્ઞાન તે જ્ઞાન એમ નહિ; એ તો બધું અજ્ઞાન છે. રોજના દસ હજાર કમાય એવી બુદ્ધિ હોય તોય એ જ્ઞાન નથી, અજ્ઞાન છે. વળી શાસ્ત્રોનું ભણતર હોય એય જ્ઞાન નથી, કેમકે એ બધું પરલક્ષી જ્ઞાન છે અને એકલું પરલક્ષી જ્ઞાન છે એ બધું અજ્ઞાન છે. પણ પોતાના જ્ઞાનસ્વરૂપી આનંદના નાથને અંતરમાં ઢળેલી જ્ઞાનની પર્યાયમાં જાણે કે- ‘આ હું છું’ -એનું નામ જ્ઞાન છે. ત્યાં જ્ઞાનની દશામાં પૂરી દશાવાન ચીજ પોતાની આવી જાય એમ નહિ, પણ પૂર્ણ જ્ઞાયકસ્વભાવી વસ્તુ હું આ છું એમ એના પૂરણ સામર્થ્યના જ્ઞાન અને પ્રતીતિ આવી જાય છે. જેમાં સ્વજ્ઞેયનું ભાન થાય તે જ્ઞાન છે.
જ્ઞાન લોકાલોકમાં વ્યાપનારું છે એટલે શું? એટલે લોકાલોકમાં જ્ઞાન (જ્ઞાનના પ્રદેશો) જાય છે એમ નહિ, પણ લોકાલોકને ભગવાન આત્મા પોતાના જ્ઞાનમાં જાણી લે છે એવું એનું સ્વપર પ્રકાશક સ્વરૂપ છે.
આત્મા વસ્તુ છે. એટલે શું? કે જેમાં જ્ઞાન, દર્શન, આનંદ ઇત્યાદિ અનંત ગુણ તદ્રૂપપણે-એકરૂપપણે વસેલા છે એવું અનંત ગુણનું વાસ્તુ-ઘર ભગવાન આત્મા