સમયસાર ગાથા ૩૦૯ થી ૩૧૧] [૪૩ છે. આવા નિજઘરના મહિમાની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે જ્ઞાન છે અને તેમાં નિવાસ કરવો તે ચારિત્ર નામ ધર્મ છે. બાકી જે શુભાશુભ વિકારના પરિણામ છે તે બધો અંધકાર છે કેમકે ચૈતન્યના પ્રકાશનો તેમાં અભાવ છે. દયા, દાન, વ્રત આદિનો રાગ છે તે અંધકાર છે ભાઈ! કેમકે તેમાં ચૈતન્યનો પ્રકાશ નથી.
શુદ્ધનયથી એટલે કે સ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો દયા, દાન આદિના વિકલ્પ જે ઉઠે તેનો ભગવાન આત્મા કર્તા નથી. પરદ્રવ્યને તો ન કરે પણ પરદ્રવ્યના લક્ષે જે શુભાશુભ વિકલ્પ થાય તેનોય એ વાસ્તવમાં કર્તા નથી, કેમકે આત્મા તો શુદ્ધ જ્ઞાતા- દ્રષ્ટાસ્વભાવી છે. અહાહા...! આત્મા એકલા ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે. તેનાં જ્ઞાન અને પ્રતીતિ જે કરતો નથી તે જીવને અજ્ઞાનના કારણે રાગ અને જડકર્મનો સંબંધ થાય છે, અને એ રીતે તેને ચારગતિમાં પરિભ્રમણ થાય છે.
અરે! એને પોતાની જ્ઞાનાનંદસ્વભાવી ચીજનો કદી મહિમા આવ્યો નહિ! અહીં કહે છે-પોતે શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી હોવા છતાં તેને જે કર્મનો બંધ થાય છે તે અજ્ઞાનનો કોઈ ગહન મહિમા છે-જેનો પાર પામી શકાતો નથી. એટલે શું? કે સ્વસ્વરૂપનું ભાન કર્યા વિના બીજી કોઈ રીતે અજ્ઞાનનો અંત લાવી શકાતો નથી. અજ્ઞાનમાં રહીને અજ્ઞાનનો પાર પામી શકાતો નથી. જ્યારે ચિદાનંદઘન પ્રભુ આત્માનું જ્ઞાન અને અનુભવ થાય છે ત્યારે જ્ઞાનભાવ થતાં બંધ થતો નથી, અને ત્યારે તેને પરિભ્રમણ પણ રહેતું નથી અર્થાત્ સંસારનો અંત-પાર આવી જાય છે. આવો વીતરાગનો મારગ છે પ્રભુ!