Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3065 of 4199

 

૪૬] [પ્રવચન રત્નાકર ભાગ-૯

પોતાના શુદ્ધ એક જ્ઞાતાસ્વભાવને આધીન થઈને સ્વ-અવલંબને પરિણમે તો જીવ નિર્વિકારી થાય, એની નિર્મળ વીતરાગી દશા પ્રગટ થાય. પણ અરે! એને સ્વભાવ- વિભાવના એકપણાનો અધ્યાસ થઈ ગયેલો છે. વિકાર મારો છે, હું વિકારરૂપ છું-એમ માનવાની તેને અનાદિથી જ આદત પડી ગયેલી છે. તેથી સ્વ-સ્વભાવની દ્રષ્ટિ રહિત તે પ્રકૃતિ-કર્મના નિમિત્તને આધીન થઈને રાગાદિ વિકારના કર્તાપણે ઉપજે છે ને વિણસે છે.

જુઓ, પ્રથમ ચાર ગાથામાં જીવનું અકર્તાપણું સિદ્ધ કર્યું. અહીં તે રાગાદિનો કર્તા કેમ થાય છે એની વાત કરે છે. અહાહા...! આનંદનો નાથ નિર્મળાનંદ ચૈતન્યમહાપ્રભુ પોતે શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવના આશ્રયે પરિણમે એ તો મોક્ષનું કારણ છે. પરંતુ સ્વભાવને છોડીને, પ્રકૃતિને આધીન થઈને પરિણમે તે વિકારીભાવનો કર્તા થઈ ઉપજે- વિણસે છે. અહા! શુદ્ધ ઉપાદાનની દ્રષ્ટિ વિના નિમિત્તને-પરવસ્તુને આધીન થઈને જે અશુદ્ધ ઉપાદાનરૂપ પરિણમે છે તે અશુદ્ધતાનો-રાગાદિ અજ્ઞાનમય પરિણામોનો કર્તા થાય છે. આવી વાત છે.

લોકો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા જાત્રા આદિ શુભરાગના પરિણામથી ધર્મ થવાનું માને છે પણ એ માન્યતા મિથ્યા છે કેમકે એવી માન્યતા તો રાગ સાથે એકપણાના અધ્યાસવાળી છે. અહા! સ્વભાવની રુચિ અને સ્વભાવ તરફનો ઝુકાવ નહિ હોવાથી અજ્ઞાની જીવ પ્રકૃતિ-ઉદય પ્રતિ ઝુકાવ કરીને વિકારપણે (વિકારના એકત્વપણે) પરિણમે છે અને તે વિકારનો કર્તા થાય છે. જો કે રાગનો કર્તા થાય એવો જીવનો સ્વભાવ નથી, તોપણ રાગ સાથે એકત્વબુદ્ધિના કારણે પોતે રાગનો કર્તા થાય છે. જે દીર્ઘ સંસારનું કારણ છે.

જીવમાં એક વૈભાવિક શક્તિ છે. આ શક્તિ ત્રિકાળ છે. સિદ્ધ ભગવાનમાં પણ વૈભાવિક શક્તિ છે. સિદ્ધ ભગવાન વિભાવરૂપે પરિણમતા નથી. વૈભાવિક શક્તિ જીવ- પુદ્ગલ બેમાં છે, બાકીના ચાર દ્રવ્યોમાં નથી. જીવ-પુદ્ગલ બેમાં છે માટે તેને વૈભાવિક શક્તિ કહેલ છે. વૈભાવિક શક્તિ વિકાર કરે એવો એનો અર્થ નથી. વિભાવ એટલે વિશેષ ભાવ એમ અર્થ છે. વૈભાવિક શક્તિ એ આત્માનો સ્વભાવ છે. અહા! આવા નિજસ્વભાવને નહિ જાણતાં પરાધીન-નિમિત્તાધીન થઈ અજ્ઞાની જીવ વિકારનો કર્તા થાય છે.

જુઓ, અહીં શું કહ્યું? કે અજ્ઞાની વિકારભાવનો કર્તા થયો થકો, પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે. મતલબ કે અજ્ઞાની જીવ પોતે કર્તા થઈને વિકારભાવે ઉપજે છે અને તેમાં પ્રકૃતિ નિમિત્ત છે. પણ નિમિત્ત એટલે કર્તા એમ અર્થ નથી. વિકાર પ્રકૃતિના નિમિત્તે થાય છે એ તો છે, પણ પ્રકૃતિ જીવમાં વિકાર કરે-કરાવે