Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3064 of 4199

 

સમયસાર ગાથા ૩૧૨-૩૧૩] [૪પ આવે છે, તેથી સંસાર છે અને તેથી જ તેમને (આત્માને ને પ્રકૃતિને) કર્તાકર્મનો વ્યવહાર છે.

ભાવાર્થઃ– આત્માને અને જ્ઞાનાવરણાદિ કર્મની પ્રકૃતિઓને પરમાર્થે કર્તાકર્મપણાનો

અભાવ છે તોપણ પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવને લીધે બંધ થાય છે, તેથી સંસાર છે અને તેથી જ કર્તાકર્મપણાનો વ્યવહાર છે.

*
સમયસાર ગાથા ૩૧૨–૩૧૩ઃ મથાળું
હવે આ અજ્ઞાનના મહિમાને પ્રગટ કરે છેઃ-
* ગાથા ૩૧૨–૩૧૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘આ આત્મા (તેને) અનાદિ સંસારથી જ (પરનાં અને પોતાનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા થયો થકો, પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે;......’

અહાહા....! આ આત્મા અંદરમાં અનંતગુણથી ભરેલો ભગવાન છે. પણ અરે! એને અનાદિ સંસારથી જ સ્વ અને પરનાં ભિન્ન ભિન્ન સુનિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન નથી. પોતાનો તો એક ચૈતન્ય.. ચૈતન્ય.. ચૈતન્ય સ્વભાવ છે, અને રાગાદિ વિભાવ છે એ તો જડ પ્રકૃતિના લક્ષે થયેલો જડ અચેતન ભાવ છે. આમ સ્વ-પરની-સ્વભાવ-વિભાવની પ્રગટ ભિન્નતા છે. પણ એ બન્નેની ભિન્નતાનું આને અનાદિથી જ ભેદજ્ઞાન નથી. આવું ભેદજ્ઞાન નહિ હોવાને લીધે એ સ્વ-પરના એકપણાનો અધ્યાસ કરીને વિભાવભાવનો કર્તા થઈ પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે.

ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી છે. અહા! તેમ છતાં તે વિકૃત રાગાદિભાવોનો કર્તા કેમ થાય છે? તો કહે છે કે ત્રિકાળી શુદ્ધચૈતન્ય-સ્વભાવ અને વર્તમાન મલિન વિભાવ-આ બે વચ્ચેનું અનાદિથી જ ભેદજ્ઞાન નહિ હોવાથી અજ્ઞાની જીવ રાગાદિ ભાવોનો કર્તા થાય છે. કર્મના કારણે કર્તા થાય છે એમ નહિ, પણ સ્વ અને પર-એમ બેઉના એકપણાના અધ્યાસના કારણે અજ્ઞાની જીવ ક્ષણિક વિભાવ પરિણામોનો કર્તા થાય છે.

‘चेदा दु पयडीअठ्ठं उप्पज्जइ विणस्सइ’ ચેતયિતા અર્થાત્ આત્મા પોતે કર્મ- પ્રકૃતિને આધીન થઈને ઉપજે છે તથા વિણસે છે. અહા! નિર્વિકાર ચૈતન્યલક્ષણ પ્રભુ પોતે હોવા છતાં સ્વભાવ-વિભાવના ભેદજ્ઞાનનો અનાદિથી જ અભાવ હોવાથી કર્મ- પ્રકૃતિને આધીન થઈને વિકારરૂપે ઉપજે છે અને વિકારરૂપે નાશ પામે છે. બીજી રીતે કહીએ તો નિર્વિકાર શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ નહિ હોવાથી, કર્મના નિમિત્તને આધીન થઈને વિકારનો કર્તા થઈને પોતે પરિણમે છે.