૪૮] [પ્રવચન રત્નાકર ભાગ-૯
“આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે, ધાવની દુકાને ધવડાવવામાં આવતા મુસાફરના બાળકની માફક.”
“આત્મદ્રવ્ય અનીશ્વરનયે સ્વતંત્રતા ભોગવનાર છે, હરણને સ્વચ્છંદે (સ્વતંત્રપણે, પોતાની મરજી અનુસાર) ફાડી ખાતા સિંહની માફક.”
મુસાફરનું બાળક ધાવમાતાને આધીન થઈને દૂધ પીએ છે તેમ આત્મા કર્મને આધીન થઈને વિકાર કરે છે. કોઈ (કર્મ, નિમિત્ત) વિકાર કરાવે છે એમ નથી. (આ તો સ્વાશ્રયે, સ્વ-આધીનપણે નિરાકુળ આનંદને યથેષ્ટ ભોગવતો ધર્મી પુરુષ, તેને જે કિંચિત્ રાગ છે તે કર્મોદયને આધીન થવાથી પરાધીનપણે થયેલ છે એમ તે જાણે છે એમ વાત છે).
અહીં કહે છે-પ્રકૃતિ પણ આત્માના વિકારી પરિણામના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશને પામે છે. કર્મપ્રકૃતિ બંધભાવે તો પોતાથી પરિણમે છે, ત્યાં તે કાળે આત્માના મિથ્યાત્વાદિ પરિણામ તેમાં નિમિત્ત છે બસ. નિમિત્ત છે માટે કર્મપ્રકૃતિ બંધરૂપે પરિણમે છે એમ નથી. આત્માના પરિણામ તો નિમિત્તમાત્ર છે.
આ પ્રમાણે આત્મા અને પ્રકૃતિને-પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવથી બન્નેને બંધ જોવામાં આવે છે, પણ ત્યાં બન્નેને કર્તાકર્મભાવનો અભાવ છે. શું કીધું? પ્રકૃતિ (કર્મોદય) કર્તા ને આત્માના વિકારીભાવ તેનું કર્મ તથા આત્માના વિકારીભાવ કર્તા ને પ્રકૃતિબંધ થાય તે એનું કર્મ-એમ પરસ્પર કર્તાકર્મભાવનો અભાવ છે. આત્મા ક્રમબદ્ધ ઉપજતાં વિકારીભાવપણે ઉપજે છે ત્યારે કર્મોદય એને નિમિત્ત છે, અને પ્રકૃતિ ક્રમબદ્ધ ઉપજતાં બંધભાવે ઉપજે છે ત્યારે આત્માના વિકારીભાવ એને નિમિત્ત થાય છે. બસ આવા પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવથી બન્નેને બંધ છે. ભાઈ! જે કોઈ કર્મ-કાર્ય નીપજે તેમાં બીજી ચીજ નિમિત્ત હો, પણ નિમિત્તથી નૈમિત્તિક કાર્ય થયું છે એમ ત્રણકાળમાં સત્ય નથી.
જીવમાં જે વિકાર થાય છે તે નિમિત્તને આધીન થઈને પરિણમવાથી થાય છે, પણ નિમિત્તથી નહિ; બીજી ચીજ નિમિત્ત હોં, પણ બીજી ચીજ કર્તા નથી. જીવ જ્યારે વિકારીભાવે પરિણમે છે ત્યારે નવાં કર્મનો બંધ થાય છે; તે બંધમાં જીવના વિકારી પરિણામ નિમિત્ત છે, પણ વિકારી પરિણામ કર્મબંધના કર્તા નથી. આ પ્રમાણે પરસ્પર કર્તાકર્મનો અભાવ છે છતાં પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવથી આત્મા ને પ્રકૃતિને-બન્નેને બંધ જોવામાં આવે છે. તે આ પ્રમાણેઃ-
૧. આત્માના વિકારી પરિણામ તે ભાવબંધ, તેમાં પ્રકૃતિ નિમિત્ત; અને ૨. જડકર્મપ્રકૃતિ બંધાય તે દ્રવ્યબંધ, તેમાં જીવના વિકારી પરિણામ નિમિત્ત.