સમયસાર ગાથા ૩૧૨-૩૧૩] [૪૯ બસ આટલી વાત છે. પુસ્તક છે સામે? જુઓ, એમાં દેખો! હવે આવું યથાર્થ ભાવભાસન ન થાય તો બાપુ! ભેદજ્ઞાન કેમ થાય? અને વિના ભેદજ્ઞાન ધર્મ કેવો?
ભાઈ! રાગાદિ વિકારી પરિણામ છે તે ભાવબંધ છે અને તે નવો દ્રવ્યબંધ થવામાં નિમિત્ત છે. બાપુ! એ કાંઈ ધર્મના કારણરૂપ અબંધ પરિણામ નથી. અબંધ પરિણામ તો અબંધસ્વરૂપી ભગવાન આત્માના-સ્વના આશ્રયે થાય છે અને તે મોક્ષનો મારગ છે.
(પૂર્વ) કર્મપ્રકૃતિના ઉદયના નિમિત્તે વિકારી ભાવ ઉત્પન્ન થાય છે, તે ભાવબંધ છે. અને ભાવબંધ છે તે નવી કર્મપ્રકૃતિના બંધમાં નિમિત્ત છે. આ પ્રમાણે આત્મા અને પ્રકૃતિનું પરસ્પર નિમિત્ત- નૈમિત્તિકભાવથી પરિણમવું છે અને તેથી સંસાર છે. એનાથી જીવ ચારગતિ અને ચોરાસી લાખ યોનિમા રૂલે છે, અને તેથી જ તેમને કર્તા-કર્મનો વ્યવહાર છે.
નિશ્ચયથી તો તેમને કર્તાકર્મ સંબંધ નથી. પ્રત્યેક પદાર્થની તે તે કાળે જે જે પર્યાય ક્રમબદ્ધ થવાની હોય તે જ થાય છે; તેને પરદ્રવ્ય (નિમિત્ત) તો શું સ્વયં (સ્વદ્રવ્ય) આત્મા પણ આગળ-પાછળ કરી શકતો નથી. પરંતુ ક્રમબદ્ધ વિકાર જીવને થાય છે તેમાં જુનાં કર્મ નિમિત્ત છે, અને વિકારના નિમિત્તે નવાં કર્મનો બંધ થાય છે. આવા નિમિત્ત- નૈમિત્તિક સંબંધના કારણે તેમને કર્તાકર્મનો વ્યવહાર છે, પણ તે પરમાર્થ નથી એમ યથાર્થ સમજવું. સમજાણું કાંઈ...?
‘આત્માને અને જ્ઞાનાવરણાદિ કર્મની પ્રકૃતિઓને પરમાર્થે કર્તાકર્મપણાનો અભાવ છે. તોપણ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવને લીધે બંધ થાય છે, તેથી સંસાર છે અને તેથી જ કર્તાકર્મપણાનો વ્યવહાર છે.’
જુઓ, આત્મા અને કર્મપ્રકૃતિઓને પરમાર્થે પરસ્પર કોઈ કર્તાકર્મસંબંધ નથી. જીવમાં વિકાર થાય તેનો કર્તા જડકર્મ અને વિકાર થયો તે જડકર્મનું કાર્ય એમ નથી. તથા વિકારી પરિણામ કર્તા અને નવા કર્મનો બંધ થાય તે એનું કાર્ય એમ પણ નથી. ભાઈ! આ તો પં. શ્રી જયચંદ્રજીએ બહુ સંક્ષેપમાં સાર ભરી દીધો છે.
આત્મા અને પ્રકૃતિને પરમાર્થે કર્તાકર્મસંબંધ નથી છતાં પરસ્પર નિમિત્ત- નૈમિત્તિકભાવના કારણે બંધ થાય છે, અને તેથી સંસાર છે, ચારગતિનું પરિભ્રમણ છે. અહા! વિકારી પરિણામથી સંસાર છે, મિથ્યાત્વ તે સંસાર છે. કર્મની પુરાણી પ્રકૃતિ જે ઉદયમાં આવી તેને નિમિત્ત કરીને જીવ વિકાર કરે છે તે સંસાર છે; તે જ ચોરાસીના અવતારનું બીજ છે; અને તેથી જ કર્તાકર્મપણાનો વ્યવહાર છે.