પ૦] [પ્રવચન રત્નાકર ભાગ-૯
સમયસાર ગાથા ૩૨૦ ના ભાવાર્થમાં કહ્યું છે કે-“ મિથ્યાત્વ છે તે જ સંસાર છે. મિથ્યાત્વ ગયા પછી સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં બિંદુની શી ગણતરી?”
કર્મના નિમિત્તે જે વિકાર થાય છે તેનું કર્તાપણું છે તે મિથ્યાત્વ છે અને તે જ સંસાર છે. ભાઈ! દયા, દાન વ્રત, ભક્તિ ઇત્યાદિના જે ભાવ છે તે શુભરાગના પરિણામ છે; કર્મપ્રકૃતિના નિમિત્તને આધીન થવાથી તે ભાવ ઉત્પન્ન થાય છે. તે ભાવ મારા છે, મારા કર્તવ્યપણે છે અને મને લાભકારી છે એવી માન્યતા મિથ્યાત્વ છે, અને તે જ સંસાર છે. સ્વ-આશ્રયે મિથ્યાત્વનો નાશ થતાં સંસારનો અભાવ જ થાય છે.
સમુદ્રમાં બિંદુની શી ગણતરી? એમ કે મિથ્યાત્વ ગયા પછી અવિરતિ, પ્રમાદ આદિ થોડો દોષ રહે પણ તે સમુદ્રમાં બિંદુ સમાન છે અને તે પણ ક્રમે નાશ થવાયોગ્ય જ છે. મિથ્યાત્વ છે એ જ મહાદોષ છે અને એ જ સંસાર છે.
જુઓ, કર્મથી વિકાર થાય છે એમ કોઈ કહે તો તે મૂળમાં ભૂલ છે. વિકાર પોતાના ષટ્કારકથી પોતાના કારણે થાય છે, નિમિત્તથી નહિ અને પોતાના દ્રવ્ય-ગુણથી પણ નહિ. પ્રભુ! તારાં દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે સ્વતંત્ર છે.
-દ્રવ્ય તો ત્રિકાળ અકૃત્રિમ છે. તેનો કર્તા કોણ? કોઈ નહિ. માટે દ્રવ્ય સ્વતંત્ર છે. -દ્રવ્યમાં ગુણ છે તે ત્રિકાળ અકૃત્રિમ છે માટે સ્વતંત્ર છે. -તેમ તેની પર્યાય પણ એક સમયનું સહજ સત્ છે, પોતાથી થાય છે. માટે એય સ્વતંત્ર છે.
એક અંશ નવો થયો માટે પરના કારણે તે થયો છે એમ છે નહિ. ત્રિકાળી સ્વભાવનો આશ્રય લઈને સમ્યગ્દર્શન પ્રગટ થયું ત્યાં દર્શનમોહનો (પ્રકૃતિનો) અવશ્ય અભાવ થાય, પણ દર્શનમોહનો અભાવ થયો માટે સમ્યગ્દર્શન થયું છે એમ વસ્તુવ્યવસ્થા નથી. એક દ્રવ્યમાં કાર્ય થાય ત્યાં અન્યદ્રવ્યની અપેક્ષા કે સહાય નથી. અરે! લોકોને પર સાથે કર્તાકર્મનો અધ્યાસ થઈ ગયો છે! એ જ સંસાર-પરિભ્રમણનું મૂળ છે.