સમયસાર ગાથા ૩૧૪-૩૧પ] [પ૭ સિદ્ધ છે એનાથી અનંતગણા જીવ એક શરીરમાં છે. આવા આવા અનંત ભવ પ્રભુ! તેં કર્યા છે. તારા દુઃખની શી વાત કહીએ? સ્વપરના એકત્વરૂપ અધ્યાસને કારણે તને અકથ્ય-અકથ્ય દુઃખ થયાં છે. અહીં કહે છે-જ્યાં સુધી સ્વપરના એકત્વરૂપ અધ્યાસ છે ત્યાં સુધી જીવ કર્તા છે. જીવ રાગને પોતાનો માનીને તેનો કર્તા થાય છે.
હવે કહે છે- ‘અને જ્યારે આ જ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોના જ્ઞાનને (ભેદજ્ઞાનને) લીધે, પ્રકૃતિના સ્વભાવને-કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને-છોડે છે, ત્યારે સ્વપરના વિભાગજ્ઞાનથી (ભેદજ્ઞાનથી) જ્ઞાયક છે, સ્વપરના વિભાગદર્શનથી (ભેદદર્શનથી) દર્શક છે અને સ્વપરની વિભાગ-પરિણતિથી (ભેદપરિણતિથી) સંયત છે; અને ત્યારે જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ નહિ કરવાથી અકર્તા છે.’
જુઓ, ધર્મી પુરુષ રાગનો અકર્તા છે એમ ત્રણ બોલથી અહીં સિદ્ધ કરે છે. અહા! આ પ્રકૃતિનો સ્વભાવ જે રાગ છે તે દુઃખ છે, એક સમયની કૃત્રિમ ઉપાધિ છે અને હું તો પરમાનંદમય શુદ્ધચૈતન્યસ્વરૂપ ત્રિકાળ નિરુપાધિ તત્ત્વ છું. આમ બેના ભિન્ન ભિન્ન લક્ષણોનું જ્ઞાન થતાં ભેદજ્ઞાન થાય છે. આવું ભેદજ્ઞાન થતાં જીવ પ્રકૃતિના સ્વભાવને છોડે છે અને ત્યારે તે સ્વપરના વિભાગજ્ઞાનથી જ્ઞાયક છે, સમ્યગ્જ્ઞાની છે.
આ પુણ્ય-પાપના ભાવ છે તે કર્મના નિમિત્તે ઉત્પન્ન થયા છે તેથી તે પ્રકૃતિનો સ્વભાવ છે, આત્માનો નહિ. અહા! પુણ્ય-પાપના સઘળા ભાવ મારી ચીજ નથી એમ જેને અંતરમાં ભેદજ્ઞાન થયું તે પ્રકૃતિના સ્વભાવને છોડી દે છે અને ત્યારે તે સ્વપરના વિભાગજ્ઞાનથી જ્ઞાની છે. સમજાય છે કાંઈ...? ભાઈ! આ સમજ્યા વિના તારી જીંદગી ઢોરની માફક જાય છે હોં. ભલે તું અહીં મોટો ક્રોડપતિ કે અબજોપતિ હોય, પરંતુ રાગથી ભિન્ન પોતાની શુદ્ધ ચૈતન્યમય ચીજ કેવી અને કેવડી છે તેનું અંતરમાં ભાન નથી તો તું પાગલ-ઉન્મત્ત જ છે. તત્ત્વાર્થસૂત્રમાં મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન મિથ્યાજ્ઞાન કેમ છે એ સમજાવતાં પહેલા અધ્યાયના સૂત્ર ૩૨ માં આવે છે કે-“વિદ્યમાન અને અવિદ્યમાન પદાર્થોનું ભેદરૂપ જ્ઞાન (યથાર્થ વિવેક) ન હોવાને કારણે પાગલ પુરુષોના જ્ઞાનની માફક મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન વિપરીત અર્થાત્ મિથ્યાજ્ઞાન હોય છે.” ત્યાં સૂત્રમાં उन्मत्तवत्– એમ શબ્દ છે.
જેમ કોઈએ દારૂ પીધો હોય તો તે ઉન્મત્ત થઈને સ્ત્રીને સ્ત્રી પણ કહે છે અને બા પણ કહે છે; તેને કાંઈ વિવેક જ નથી. તેમ મોહમદિરા પીને ઉન્મત્ત થયેલા આને સ્વપરનો વિવેક જ નથી. ભેદજ્ઞાનના અભાવે તે પાગલ જ છે.
અહીં કહે છે-જ્ઞાનીને રાગ હોય છે ખરો, પણ દ્રષ્ટિમાં તેણે રાગને પ્રકૃતિનો સ્વભાવ જાણી છોડી દીધો છે. મારી ચીજ અંદર એક જ્ઞાનાનંદસ્વરૂપ છે તે આદરણીય