પ૮] [પ્રવચન રત્નાકર ભાગ-૯ -ઉપાદેય છે અને આ જે રાગ છે તે હેય છે, ત્યાગ કરવા યોગ્ય છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે. બાપુ! આમ રાગને જે છોડી દે છે તે સ્વપરના વિભાગજ્ઞાનથી જ્ઞાયક થાય છે, જ્ઞાની થાય છે. શાસ્ત્ર ભણ્યો હોય કે ન ભણ્યો હોય, શાસ્ત્ર ભણવાની એને કાંઈ અટક નથી. (સ્વપરનું ભેદજ્ઞાન થાય એ મુખ્ય ચીજ છે).
જુઓ, શાસ્ત્રમાં લેખ છે કે નવતત્ત્વના નામ પણ જાણતા નથી એવા અઢીદ્વીપ બહાર અસંખ્ય પશુ છે કે જેઓ સમકિતી શ્રાવકના પંચમગુણસ્થાનની ભૂમિકામાં આરૂઢ છે. અહા! જેણે જાણનારને જાણ્યો તેણે બધું જાણ્યું. આ ચૈતન્યસ્વરૂપ જાણવાવાળો તે હું, આ રાગ તે હું નહિ-એમ જેણે જ્ઞાનમાં અનુભવ્યું તે જ્ઞાયક છે, જ્ઞાની છે. ભાઈ! વીતરાગ પરમેશ્વરે કહેલું સ્વરૂપ તે આ છે. ભાગ્ય હોય તો એ સાંભળવાય મળે.
વળી, ‘સ્વપરના વિભાગદર્શનથી (ભેદદર્શનથી) દર્શક છે.’ શું કીધું? સ્વ નામ એક શુદ્ધ ચિદ્ઘન પ્રભુ આત્મા અને પર નામ પુણ્ય-પાપ આદિ વિભાવ-એ બેના ભેદદર્શનથી જીવ દર્શક છે, સમ્યગ્દ્રષ્ટિ છે. આ દેવગુરુશાસ્ત્રને અને નવતત્ત્વને બહારથી (વિકલ્પરૂપ) માને માટે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે એમ નહિ, પણ રાગથી ભિન્ન હું ચિદાનંદઘનસ્વભાવી આત્મા છું એમ રાગ ને આત્માના વિભાગદર્શનથી જીવ દર્શક નામ સમ્યગ્દ્રષ્ટિ છે. આવો મારગ છે ભાઈ! વીતરાગનો. આ તો શૂરાનો મારગ છે બાપુ!
અહા! આ તો વીરનો મારગ પ્રભુ! કાયર અર્થાત્ રાગના રસિયાનું આમાં કામ નથી. રાગની જેને રુચિ છે, રાગનો કર્તા થઈ જે પરિણમે છે એવા રાગી જીવોને શાસ્ત્રમાં નપુંસક કહ્યા છે; કેમકે નપુંસકને જેમ પુત્ર ન થાય તેમ રાગને (શુભ-રાગનેય) પોતાનો માનનારને ધર્મની પર્યાય પાકતી નથી.
વળી, ‘સ્વપરની વિભાગપરિણતિથી સંયત છે.’ રાગપરિણતિ અને જ્ઞાનપરિણતિ બન્ને ભિન્ન છે. રાગપરિણતિ પ્રકૃતિનો સ્વભાવ છે અને જ્ઞાનપરિણતિ જ્ઞાનસ્વભાવરૂપ છે. બન્ને ભિન્ન છે. ત્યાં રાગરહિત નિર્મળ જ્ઞાનપરિણતિ તે મારી ચીજ છે, અને રાગપરિણતિ તે મારી ચીજ નથી-આવી સ્વપરની વિભાગપરિણતિથી જીવ સંયત છે. લ્યો, આને સંયત નામ મુનિ કહેવામાં આવે છે. માત્ર નગ્ન દિગંબર હોય ને બહારમાં મહાવ્રતાદિ પાળે માટે મુનિ છે એમ નહિ. પણ રાગ અને જ્ઞાનની વિભાગપરિણતિથી જીવ સંયત નામ મુનિ છે. આમ ત્રણ બોલ કીધા. હવે કહે છે-
‘અને ત્યારે જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ નહિ કરવાથી અકર્તા છે.’ જુઓ, જ્યાં સુધી સ્વપરના એકત્વનો અધ્યાસ હતો ત્યાં સુધી જીવ અજ્ઞાની અને કર્તા હતો. પણ સ્વપરના એકત્વનો અધ્યાસ દૂર થતાં તે જ્ઞાની થયો થકો