સમયસાર ગાથા ૩૧૪-૩૧પ] [૬૧ શોકના ભાવનો ભોક્તા થતો નથી. લોકોને બહારથી લાગે કે તે ભોગવે છે, પણ વાસ્તવમાં જ્ઞાની રાગ કે હરખશોકના ભાવને ભોગવતો નથી; કેમકે હું ભોગવું એવો અભિપ્રાય એને ક્યાં છે? એને તો એ વિષયો અને તત્સંબંધી હરખશોકના ભાવ-એ બધું ઝેર સમાન ભાસે છે. અહા! જડ ઈન્દ્રિયો, ભાવેન્દ્રિયો, અને વિષયો -એ બધાથી અધિક પોતાનો જ્ઞાનસ્વભાવ જેને સ્વપણે અંદર પ્રતિભાસ્યો છે તે રાગ અને હરખશોકના ભાવને કેમ ભોગવે? આનંદનો ભંડાર એવા જ્ઞાનાનંદસ્વભાવી નિજ પરમાત્મદ્રવ્યથી જેણે પ્રેમ બાંધ્યો તે હવે બીજે વિષયાદિમાં રતિ કેમ કરે? ન જ કરે. આ પ્રમાણે અજ્ઞાનનો અભાવ થતાં જીવ અભોક્તા છે. અભોક્તાપણું આત્માનો સ્વભાવ છે અને તેને (- સ્વભાવને) અનુસરનાર જ્ઞાની અભોક્તા છે. આવી વાત છે.