૭૦] [પ્રવચન રત્નાકર ભાગ-૯ અને અનંતવાર ભગવાનના સમોસરણમાં જઈ આવ્યો. ભગવાનનાં દર્શન, પૂજા કર્યાં અને મણિરત્નના દીવાથી આરતી ઉતારી. પણ ભાઈ! એ બધો શુભરાગ પ્રકૃતિનો સ્વભાવ બાપુ! અજ્ઞાનદશામાં જીવ એને ધર્મ માનીને વેદે છે, જ્યારે ધર્મીને એવા શુભભાવ આવે છે ખરા, પણ એનો તે કર્તા-ભોક્તા થતો નથી, માત્ર જાણનારપણે જ રહે છે; ધર્મી તો અતીન્દ્રિય આનંદરસના સ્વાદને વેદે છે.
લોકોને દયા, દાન, ભક્તિ વગેરેનો સહેલો માર્ગ ગમે; પણ ભાઈ! એ તો માર્ગ જ નથી. એ તો બધી રાગની ક્રિયાઓ પ્રકૃતિનો સ્વભાવ છે અને એ વડે ધર્મ થવાનું માને એ મિથ્યાદર્શન છે. હવે કહે છે-
અજ્ઞાની રાગનો સદા વેદક છે; જ્ઞાની રાગનો કદાપિ વેદક નથી. ‘इति एवं नियमं निरूप्य’ આવો નિયમ બરાબર વિચારીને-નક્કી કરીને ‘निपुणैः अज्ञानिता त्यज्यताम’ નિપુણ પુરુષો અજ્ઞાનીપણાને છોડો અને ‘शुद्ध–एक–आत्ममये महसि’ શુદ્ધ એક આત્મામય તેજમાં ‘अचालतैः’ નિશ્ચળ થઈને ‘ज्ञानिता आसेव्यताम’ જ્ઞાનીપણાને સેવો.
જુઓ, આ ઉપદેશ! શું કહે છે? કે હે નિપુણ પુરુષો! અજ્ઞાનીપણાને છોડી દઈને, રાગને મારાપણે વેદવાનું છોડી દઈને શુદ્ધ એક આત્મામય તેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનીપણાને સેવો, નિરાકુળ આનંદને અનુભવો. જુઓ, અહીં પરવસ્તુને છોડો એમ વાત નથી, કેમકે પરનાં ગ્રહણ- ત્યાગ તો આત્મામાં કદી ત્રણકાળમાં નથી. અહીં તો એણે રાગ અને પુણ્ય પરિણામ મારા છે એમ જે અનાદિ અજ્ઞાનવશ પકડ કરી છે તે મિથ્યાત્વ ભાવ છે અને તેને છોડો એમ ઉપદેશ છે. ભાઈ! આવા રૂડા અવસર મળ્યા, ભગવાન જિનેન્દ્રની વાણી કાને પડવાનો યોગ મળ્યો તો કહે છે- આ નિયમ બરાબર જાણીને રાગને પોતાનો સ્વભાવ જાણવાનું છોડી દે અને શુદ્ધ એક ચૈતન્યતેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનીપણાનું સેવન કર.
જુઓ, સામે મોટો જળનો દરિયો ભર્યો હોય, પણ નજર સામે ચાદરની આડ આવી જાય તો મોટો દરિયો દેખાય નહિ; તેમ અંદર અનંત ગુણ-સ્વભાવનો ભરેલો જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મા મોટો દરિયો છે; પણ પુણ્ય-પાપભાવ મારા છે એવી માન્યતાની આડમાં બેહદ સ્વભાવથી ભરેલો મોટો ચૈતન્યસિંધુ એને દેખાતો નથી. તેથી કહે છે-ભાઈ! પુણ્ય-પાપના ભાવ મારા છે એવા અજ્ઞાનભાવને છોડી દે. પુણ્ય-પાપના ભાવ મારા છે એવી માન્યતા અજ્ઞાનભાવ છે.
હા, પણ તેને છોડીને શું કરવું? શુદ્ધ એક આત્મામય ચૈતન્યતેજમાં નિશ્ચળ થઈને જ્ઞાનભાવનું સેવન કર. અહાહા..! અંદર જ્ઞાનાનંદસ્વરૂપ પોતે ભગવાન છે તેની સેવા કર, તેમાં રમી જા અને તેમાં જ ઠરી જા; તેથી તને પરમાનંદની પ્રાપ્તિ થશે. આવો મારગ છે બાપુ!