સમયસાર ગાથા ૩૧૬] [૬૯ પામેલો-વિરક્ત હોવાથી (-તેને પરનો સ્વભાવ જાણતો હોવાથી) કદાપિ વેદક નથી.
પુણ્ય-પાપ આદિ શુભાશુભ ભાવ છે તે આત્માનો સ્વભાવ નથી, પણ જડ પ્રકૃતિનો સ્વભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના ભાવ પ્રકૃતિનો સ્વભાવ છે. અજ્ઞાની આ પ્રકૃતિના સ્વભાવને પોતાનો સ્વભાવ જાણે છે; તેથી તે વેદક છે, ભોક્તા છે. જ્યારે ધર્મી જીવને સ્વપરનું ભેદજ્ઞાન થયું છે. હું પરમ આનંદમય શુદ્ધ જ્ઞાયક તત્ત્વ છું અને આ પુણ્ય-પાપના ભાવ ભિન્ન આસ્રવ તત્ત્વ છે. આમ બન્નેનું ભેદજ્ઞાન થયેલું હોવાથી ધર્મી જીવ-પ્રકૃતિના સ્વભાવથી વિરામ પામેલો છે. તે વિકારના પડખેથી ખસીને સ્વભાવના પડખે આવેલો છે. તેથી તે વિકારનો વેદક કદીય થતો નથી. અહાહા...! નિરાકુળ આનંદના વેદનમાં ચઢેલો જ્ઞાની વિકારનો વેદક થતો નથી. જોકે તેને વ્રત, તપ, ભક્તિ, જાત્રા ઇત્યાદિના ભાવ આવે છે ખરા, પણ અંતરમાં તે એનાથી વિરત છે, ઉદાસીન છે; તેથી તે વિકારનો ભોક્તા નથી.
ધર્મી જીવ શુભાશુભભાવને કર્મની ઉપાધિજનિત ઔપાધિકભાવ જાણે છે; તેથી તે એનાથી વિરક્ત થયેલો છે; કદાપિ એ તેનો વેદક થતો નથી. બીજે એમ આવે કે જ્ઞાનીને આનંદધારા અને રાગધારા બન્ને સાથે હોય છે. રાગથી તે વિરક્ત છે છતાં તેનો વેદક પણ છે. એક સમયમાં આનંદ અને દુઃખનું વેદન સાથે હોય છે. અહીં એ વાત નથી. અહીં તો દુઃખના વેદનને ગૌણ કરી તેને વ્યવહાર ગણી અસત્યાર્થ જાણી કાઢી નાખ્યું છે. તેથી કહ્યું કે જ્ઞાની પ્રકૃતિના સ્વભાવનો વેદક નથી.
જ્ઞાનીને સર્વથા દુઃખનું વેદન છે જ નહિ એમ કોઈ કહે તો તે બરાબર નથી. જુઓ, છઠ્ઠા ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિવરને અંદર અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન હોય છે છતાં જેટલો અલ્પ રાગ છે એટલું દુઃખનું વેદન પણ છે. અહીં દ્રષ્ટિની પ્રધાનતામાં એને દુઃખનું વેદન નથી એમ કહીએ છીએ. ભાઈ! અપેક્ષા સમજ્યા વિના કોઈ એકાન્ત ખેંચે તો તે ભગવાનનો મારગ નથી.
જ્ઞાની રાગના ભાવથી વિરામ પામેલો હોવાથી કદાપિ વેદક નથી. જેમ સક્કરકંદની ઉપરની રાતડને લક્ષમાં ન લો તો તે અંદર સાકરની મીઠાશનો પિંડ છે. તેમ આ ભગવાન આત્માને પર્યાયમાં થતા રાતડ સમાન શુભાશુભભાવને લક્ષમાં ન લો તો અંદર તે અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો રસકંદ છે. અજ્ઞાનીઓ રાતડ સમાન રાગને વેદે છે, જ્યારે જ્ઞાની અંદરના જ્ઞાનાનંદરસને વેદે છે. આમાં લોકોને લાગે કે આ તો નિશ્ચયની વાત એટલે સત્યાર્થ વાત અને વ્યવહાર એટલે ઉપચાર અસત્યાર્થ. વ્યવહાર વ્યવહારપણે સત્યાર્થ છે. પણ નિશ્ચયની દ્રષ્ટિમાં વ્યવહાર અસત્યાર્થ જ છે. આવી વાત છે.
મહાવિદેહમાં ભગવાન સાક્ષાત્ વિરાજે છે. ત્યાં આ જીવ અનંતવાર ઉપજ્યો