૬૮] [પ્રવચન રત્નાકર ભાગ-૯
‘અજ્ઞાનીને તો શુદ્ધ આત્માનું જ્ઞાન નથી તેથી જે કર્મ ઉદયમાં આવે તેને જ તે પોતારૂપ જાણીને ભોગવે છે; અને જ્ઞાનીને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ગયો છે તેથી તે પ્રકૃતિના ઉદયને પોતાનો સ્વભાવ નહિ જાણતો થકો તેનો જ્ઞાતા જ રહે છે, ભોક્તા થતો નથી.’
શું કહે છે? કે હું જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એમ અજ્ઞાનીને સ્વસંવેદન નથી, જ્ઞાન નથી. તેથી કર્મના ઉદય નિમિત્તે તેને જે પુણ્ય-પાપ ને હરખ-શોકના ભાવ થાય તેને તે પોતાનું સ્વ જાણીને ભોગવે છે. જ્યારે જ્ઞાનીને હું પૂર્ણાનંદનો નાથ પૂરણ જ્ઞાન અને આનંદનો પિંડ છું એવો સ્વાનુભવ વર્તે છે, તેને સ્વના આશ્રયે નિરાકુળ આનંદનું વેદન થયું છે અને તેને જ તે પોતાનું સ્વ જાણે છે. તે પ્રકૃતિના ઉદયને-પુણ્ય-પાપના ને હરખ-શોકના ભાવને પોતાનું સ્વ માનતો નથી. તેથી તે રાગનો ભોક્તા નથી, જ્ઞાતા જ છે. ભાઈ! સમકિતી ચક્રવર્તી ૯૬૦૦૦ રાણીઓના વૃંદમાં રહેતો હોય તોપણ તે વિષયનો ભોક્તા નથી. વિષયમાં સ્વપણું ને સુખબુદ્ધિ નથી ને? તેથી તે ભોક્તા નથી. આવી વાત અજ્ઞાનીને બેસતી નથી.
પરંતુ ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરનો હુકમ છે; કે તારી જાતને તેં જાણી નહિ તેથી અજ્ઞાનપણે તું વિકારનો ભોગવનાર છો. આ સ્ત્રીનું શરીર, દાળ, ભાત, લાડવા ઇત્યાદિને આત્મા ભોગવે છે-ભોગવી શકે છે એ તો છે નહિ, કેમકે એ તો બધા પર અને જડ પદાર્થો છે. પરનો ને જડનો ભોગવટો જ્ઞાની-અજ્ઞાનીને કોઈને હોતો નથી. પણ અજ્ઞાની કર્મના સંગે ઉત્પન્ન થયેલા વિકારને ભોગવે છે; જ્યારે જ્ઞાનીને અંતરમાં ભેદજ્ઞાન થયું છે. તેણે અંતર્દ્રષ્ટિમાં સ્વભાવ-વિભાવ, સ્વપરિણતિ ને પરપરિણતિના વિભાગ પાડી દીધા છે. તેથી તે નિરાકુળ આનંદને સ્વપણે વેદે છે, અને પ્રકૃતિ-સ્વભાવને-વિકારને છોડી દે છે અર્થાત્ સ્વપણે અનુભવતો નથી. તે વિકારનો માત્ર જ્ઞાતા જ રહે છે, ભોક્તા થતો નથી.
આ પ્રમાણે જ્ઞાની કર્મફળનો જાણનાર-દેખનાર છે, ભોક્તા નથી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘अज्ञानी प्रकृति–स्वभाव–निरतः नित्यं वेदकः भवेत्’ અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં લીન-રક્ત હોવાથી (-તેને જ પોતાનો સ્વભાવ જાણતો હોવાથી) સદા વેદક છે, ‘तु’ અને ‘ज्ञानी प्रकृति–स्वभाव–विरतः जातुचित् वेदकः नो’ જ્ઞાની તો પ્રકૃતિસ્વભાવથી વિરામ