સમયસાર ગાથા ૩૧૬] [૬૭
પ્રવચનસારમાં છેલ્લે ૪૭ નયનો અધિકાર છે. ત્યાં કર્તાનય અને ભોક્તાનય-એમ બે નય જ્ઞાનીને હોય છે એની વાત છે. ત્યાં કહ્યું છે-
“આત્મદ્રવ્ય કર્તૃનયે, રંગરેજની માફક, રાગાદિપરિણામનું કરનાર છે.” “આત્મદ્રવ્ય ભોક્તૃનયે સુખદુઃખાદિનું ભોગવનાર છે, હિતકારી-અહિતકારી અન્નને ખાનાર રોગીની માફક.”
અહા! જેટલો વ્યવહારરત્નત્રયના મહાવ્રતાદિના વિકલ્પરૂપે જ્ઞાની પરિણમે છે તેટલા પરિણામનો તે કર્તાનયે કર્તા છે, પણ તે મારું સ્વ છે અને કરવાલાયક છે એમ નહિ. તેવી રીતે જેટલો હરખભાવ આવી જાય તેટલા પરિણામનો તે ભોક્તા પણ છે; તે ભોગવવા લાયક છે એમ સુખબુદ્ધિ એમાં જ્ઞાનીને નથી. અસ્થિરતાથી ભોગવવાના પરિણામ છે તેથી તેને ભોક્તા કહે છે, અહીં એ વાત નથી. અહીં તો કહે છે-જ્ઞાની ઉદિત કર્મફળને જાણે જ છે, પણ એનું ‘હું’ પણે અનુભવાવું અશક્ય હોવાથી વેદતો નથી. અહાહા....! જ્ઞાની હરખશોકના પરિણામનો ભોક્તા નથી; કેમકે તેને હરખશોકના પરિણામનું ‘હું’ પણે અનુભવાવું અશક્ય છે. ઉદિત કર્મફળ મારું સ્વ છે એમ જ્ઞાની કદીય અનુભવી શકતા નથી.
ભાઈ! આ તારી દયા પાળવાની વાત ચાલે છે. પોતે જેવડો છે તેવડો સ્વીકારીને, રાગથી ભિન્ન પડી સ્વસ્વરૂપમાં એકાગ્ર થઈ ઠરવું એનું નામ પોતાની દયા-સ્વદયા છે. અંદર વીતરાગમૂર્તિ પોતે આત્મા છે તેમાં નિમગ્ન થઈ વીતરાગપરિણતિએ પરિણમે તે જીવદયા નામ સ્વદયા છે. બાકી પરની દયા કોણ પાળી શકે છે? પરની દયા પાળવાનો વિકલ્પ આવે પણ તેને ‘હું’ પણે જ્ઞાની અનુભવતા નથી અને પરનું (ટકવારૂપ) પરિણમન તો જેમ થવું હોય તેમ તે કાળે થાય છે, તેનો કોઈ (બીજો) કર્તા નથી.
ભાઈ! જગતની પ્રત્યેક વસ્તુ-આત્મા કે પરમાણુ કોઈપણ સમયમાં નકામી (- પરિણમન વિનાની ખાલી) નથી. દરેક દ્રવ્ય, દરેક આત્મા ને પરમાણુ પ્રતિસમય પોતાની પર્યાયરૂપ કાર્ય કર્યા જ કરે છે; કાર્ય વિના કોઈ વસ્તુ કોઈ કાળે ખાલી હોય જ નહિ. જો આમ છે તોપછી પરનું કાર્ય, પરની દયા તું કેમ કરી શકે? ન કરી શકે.
અહા! જેણે રાગથી ભિન્ન પડીને અંદર ભેદજ્ઞાન પ્રગટ કર્યું તે જ્ઞાનનો બળિયો મોક્ષપંથે ચઢયો છે; તે હવે પાછો નહિ ફરે, મોક્ષ કરીને જ રહેશે. અહા! આવો ધર્મી પુરુષ, અહીં કહે છે, પ્રકૃતિના સ્વભાવથી ખસી ગયેલો હોવાથી, એક સ્વસ્વભાવને જ- ચિન્માત્રભાવને જ ‘હું’ પણે અનુભવે છે; ઉદિત કર્મફળને તો એ માત્ર જાણે જ છે, ભોગવતો નથી કેમકે તે મારું છે એવી દ્રષ્ટિનો એને અભાવ થઈ ગયો છે.