૬૬] [પ્રવચન રત્નાકર ભાગ-૯ અને સ્વપરની વિભાગપરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો છે, હઠી ગયેલો છે.
આ તો વીતરાગનો મારગ ભાઈ! એની જ્યારે ગણધરદેવ વ્યાખ્યા કરે ત્યારે એની શી વાત! કેવળીના મુખમાંથી ૐવાણી ઝરે અને એની ભગવાન ગણધર ગૂંથણી કરે એ તો અલૌકિક વાત છે ભાઈ! અહાહા...! કેવળજ્ઞાનના નિમિત્તે છૂટતી એ વાણી દિવ્ય અલૌકિક હોય છે. વાણી તો વાણી ના કારણે છુટે છે, ભગવાન સર્વજ્ઞદેવ એના કર્તા નથી, સર્વજ્ઞ તો માત્ર તેમાં નિમિત્ત છે અને તેથી એને ભગવાનની વાણી કહે છે. અહા! એ ભગવાનની વાણીમાં જે વિસ્તાર આવે એ આશ્ચર્યકારી અને અલૌકિક હોય છે. અહા! એને ગણધરો, ઇન્દ્રો, નરેન્દ્રો નમ્રીભૂત થઈ બહુ વિનય ભક્તિપૂર્વક એકચિત્તે સાંભળે. અહા! એ વાણીની ઉંડપ અને ગંભીરતાનું શું કહેવું! અપાર... અપાર ગંભીર બાપુ!
અહીં આ પંચમ આરાના મુનિવર એને (-ભગવાનની વાણીને) સાદી ભાષામાં કહે છે કે- જ્ઞાની ભેદજ્ઞાન આદિ વડે પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો છે. આ તો ભાષા છે બાપુ! બાકી ભાવ તો એનો જે છે તે અતિ ગંભીર છે. ખેંચાય એટલો ખેંચવો, સમજાય એટલો સમજવો બાપુ! શું કહે છે? કે અજ્ઞાની સ્વપરના એકત્વજ્ઞાન આદિ વડે પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત થયેલો છે, જ્યારે જ્ઞાની સ્વપરના ભેદજ્ઞાન આદિ વડે પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો છે. સ્વપરની વિભાગપરિણતિથી અર્થાત્ શુદ્ધ ચૈતન્યની વીતરાગી પરિણતિથી જ્ઞાની સંયતપણે પરિણત છે. અહાહા...! વીતરાગપરિણતિએ પરિણમેલો તે ધર્મી સંયમી પુરુષ છે. સમજાય છે કાંઈ....?
આ પ્રમાણે જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો હોવાથી શુદ્ધ આત્માના સ્વભાવને એકને જ ‘હું’ પણે અનુભવે છે, અને ઉદિત કર્મફળને તો, અન્યજ્ઞેયની જેમ, પરજ્ઞેયપણે જાણે જ છે, ભોગવતો નથી. કિંચિત્ હરખશોકના પરિણામ થાય તેને જ્ઞાની પરજ્ઞેયપણે જાણે જ છે, વેદતો-ભોગવતો નથી, કેમકે તેનું ‘હું’ પણે અનુભવાવું અશક્ય છે.
તો શું જ્ઞાનીને હરખશોકનું વેદન બીલકુલ હોતું જ નથી? જ્ઞાનીને હરખશોકનું વેદન હોતું જ નથી એમ વાત નથી, તેને કિંચિત્ હરખશોકનું વેદન છે; પરંતુ તેને અંતરમાં સ્વભાવની અધિકતા છે, તો સ્વભાવને મુખ્ય કરીને, અને રાગનું વેદન છે તેને ગૌણ ગણીને તે રાગને વેદતો નથી એમ અહીં કહ્યું છે. કિંચિત્ રાગનું એને પરિણમન છે, તો એટલું એને વેદન પણ છે, પણ એને વ્યવહાર ગણી, અસત્યાર્થ કહી, તેનું વેદન નથી એમ અહીં કહ્યું છે. કર્મફળને-હરખશોકને અને આત્મસ્વભાવને એમ બેને નહિ પણ આત્મસ્વભાવને એકને જ જ્ઞાની ‘હું’ પણે અનુભવે છે એમ અહીં સિદ્ધ કરવું છે. સમજાય છે કાંઈ....?