સમયસાર ગાથા ૩૧૬] [૬પ જ્ઞાનથી, સ્વપરના વિભાગદર્શનથી અને સ્વપરની વિભાગપરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો (-ખસી ગયેલો, છૂટી ગયેલો) હોવાથી શુદ્ધ આત્માના સ્વભાવને એકને જ ‘હું’ પણે અનુભવતો થકો ઉદિત કર્મફળને, તેના જ્ઞેયમાત્રપણાને લીધે, જાણે જ છે, પરંતુ તેનું ‘હું’ પણે અનુભવાવું અશક્ય હોવાથી, (તેને) વેદતો નથી.’
જુઓ, અહીં ‘જ્ઞાની તો...’ એમ કહ્યું ને? ત્યાં ઘણું (ક્ષયોપશમ) જ્ઞાન હોય તે જ્ઞાની એમ વાત નથી. પરંતુ રાગથી ભિન્ન ચિદાનંદકંદ પ્રભુ આત્માને સ્વપણે જાણે- અનુભવે તેને અહીં જ્ઞાની કહ્યો છે. ચોથા ગુણસ્થાનથી ધર્મી જીવને જ્ઞાની કહેવામાં આવે છે, કેમકે તેને અંતરમાં સ્વપરનું ભેદજ્ઞાન થયું છે. બાકી કોઈ ૧૧ અંગ અને નવ પૂર્વ ભણ્યો હોય પણ જો એને પરમાં ને રાગમાં સુખબુદ્ધિ હોય તો તે અજ્ઞાની છે. અહા! જ્ઞાની તો એને કહીએ કે જેને અંદર અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ આત્મા છે એનું વેદન-આસ્વાદન હોય છે. કેવો છે તે આસ્વાદ? તો કહે છે-તે અતીન્દ્રિય આનંદના આસ્વાદ આગળ ઇન્દ્ર-ઇન્દ્રાણીના ભોગ-વૈભવ પણ સડેલા મીંદડાના શરીર જેવા તુચ્છ ભાસે છે. લ્યો, અતીન્દ્રિય આનંદના રસનો રસિયો આવો જ્ઞાની હોય છે.
અહીં કહે છે- ‘જ્ઞાની તો શુદ્ધ આત્માના જ્ઞાનના સદ્ભાવને લીધે સ્વપરના વિભાગજ્ઞાનથી,...’ જોયું? જ્ઞાનીને શુદ્ધ આત્માના જ્ઞાનનો સદ્ભાવ છે. એટલે શું? કે આ શુદ્ધ ચૈતન્યના ધ્રુવ પ્રવાહરૂપ-ચૈતન્ય...ચૈતન્ય...ચૈતન્ય...એવા ચૈતન્યના ધ્રુવ પ્રવાહરૂપ જે આત્મા છે તે હું છું એમ જ્ઞાની અનુભવે છે; અને તેથી આ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવ તે હું સ્વ અને જે રાગાદિ વિકાર છે તે પર છે એમ સ્વપરનું એને વિભાગજ્ઞાન નામ ભેદજ્ઞાન થયેલું છે. અહા! જ્ઞાની આવા ભેદજ્ઞાન વડે પ્રકૃતિના સ્વભાવથી નિવર્ત્યો છે. અહાહા....! હું રાગથી ભિન્ન અને નિજ ચૈતન્યસ્વભાવથી અભિન્ન છું એવું ભેદજ્ઞાન થયું હોવાથી જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી નિવર્તી ગયો છે.
તેવી રીતે આ જ્ઞાનાનંદસ્વરૂપ અંદર ભગવાન છે તે હું સ્વ અને આ હરખશોક ને રાગાદિ વિભાવ તે પર-એમ બેના વિભાગદર્શનથી સમ્યગ્દ્રષ્ટિ થયો થકો તે પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો છે. શું કીધું? સ્વપરની વિભાગદ્રષ્ટિ વડે જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી હઠી ગયો છે. વળી તે સ્વપરની વિભાગપરિણતિથી પ્રકૃતિના સ્વભાવથી ખસી ગયેલો છે. અહાહા...! સ્વઆશ્રયે પ્રગટ નિર્મળ વીતરાગ પરિણતિ તે સ્વની પરિણતિ છે અને રાગની પરિણતિ તે પરપરિણતિ છે. આમ બે પરિણતિના વિભાગ વડે જે સંયત થયો છે તે જ્ઞાની પ્રકૃતિના સ્વભાવથી નિવર્તેલો છે. છે? અંદર પાઠમાં છે કે નહિ? આ પ્રમાણે ધર્મી-જ્ઞાની પુરુષ સ્વપરના વિભાગજ્ઞાનથી, સ્વપરના વિભાગદર્શનથી