Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3083 of 4199

 

૬૪] [પ્રવચન રત્નાકર ભાગ-૯ ભવસિંધુ અપાર છે. અસંખ્ય જોજન ઉપર, અસંખ્ય જોજન નીચે-એમ એને ઉપજવાનાં સ્થાન અનંત છે; સ્થૂળપણે અસંખ્ય છે, અને એથીય સ્થૂળપણે ચોરાસી લાખ યોનિ છે. અહા! સ્વપરની એકત્વબુદ્ધિરૂપ મિથ્યાદશાને કારણે એણે લસણ, ડુંગળી, કીડા, કાગડા ને નરક-નિગોદ ઇત્યાદિના અનંત દુઃખમય ભવ કર્યા છે. શું થાય? ભાઈ! મિથ્યાત્વનું ફળ આવું બહુ આકરું છે બાપુ! ક્ષણિક વિકારની-શુભાશુભ રાગની દશાને નિજ સ્વરૂપ માની લે એનું ફળ બહુ આકરું છે પ્રભુ!

અરે ભાઈ! મિથ્યાત્વનું ફળ શાસ્ત્રમાં નિગોદ કહ્યું છે. તને ખબર નથી પણ નરકના દુઃખ કરતાં નિગોદનું દુઃખ અનંતગણું છે. નિગોદનો જીવ શક્તિએ તો પૂર્ણ જ્ઞાનાનંદઘન છે, પણ તેની જ્ઞાનની વર્તમાન પર્યાયમાં અક્ષરના અનંતમા ભાગ જેટલું અલ્પજ્ઞાન હોય છે. અહા! કેવી હીન દશા! અને એને જે પારાવાર દુઃખનું વેદન હોય છે તેને કેમ કહીએ?

અહા! પોતે અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. આવા વાસ્તવિક નિજ-સ્વરૂપને નહિ માનતાં હું રાગનો કરનારો રાગી છું, રાગનો ભોગવનારો ભોક્તા છું એમ જે પોતાને આળ આપે છે, પોતાની છતી ચીજને અછતી કરી દે છે તે તેના ફળમાં નિગોદના સ્થાનમાં ઉપજે છે. હું રાગનો કર્તા-ભોક્તા છું એમ માનનાર પોતાની હયાતીને (-શુદ્ધ ચૈતન્યસત્તાને) માનતો નથી. અને જે પોતાની હયાતીને માનતો નથી તે એના ફળમાં નિગોદમાં ઉપજે છે જ્યાં દુનિયાના લોકો પણ એની હયાતીને માનવા તૈયાર ન થાય. શું થાય? આમાં કોઈનું કાંઈ ચાલે એમ નથી.

અહીં ભોક્તાપણાની વાત છે. સ્વરૂપથી તો આત્મા અભોક્તા છે. પરંતુ શરીર, મન, વાણી, ધન-સંપત્તિ, આબરૂ ઇત્યાદિ સાનુકૂળ પદાર્થોને દેખીને જે હરખ થાય છે તેને ‘હું’ પણે અનુભવતો જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. પાપી છે. આ કસાઈખાનાં માંડે એ ભાવ તો પાપ છે જ, એ ભાવ વડે જીવ પાપી છે; પરંતુ આ દયા, દાનના જે ભાવ થાય તેય કષાયભાવ છે, રાગ છે અને તેને ‘હું’ પણે જે અનુભવે તે જીવ પણ મિથ્યાદ્રષ્ટિ પાપી છે. લોકોને હવે આવી વાત કેમ બેસે? આ તો ધીરાનાં કામ બાપુ! કહે છે ને કે- પ્રકૃતિના સ્વભાવને ‘હું’ પણે અનુભવતો જીવ કર્મફળને વેદે છે, ઝેરને વેદે છે.

ભગવાન આત્મા અમૃતનો સાગર પ્રભુ છે. તેને ભૂલીને જ્યાં સુધી પરમાં- રાગાદિમાં સુખબુદ્ધિ છે અને પ્રકૃતિના સ્વભાવને-શુભાશુભ રાગને ‘હું’ પણે જીવ અનુભવે છે ત્યાં સુધી તે મિથ્યાદ્રષ્ટિ થયો થકો કર્મફળને ભોગવે છે અને નવા નવા કર્મબંધને કરે છે. આવી વાત છે. હવે કહે છે-

‘અને જ્ઞાની તો શુદ્ધ આત્માના જ્ઞાનના સદ્ભાવને લીધે સ્વપરના વિભાગ-